સરકારના ‘સંચાર સાથી’ એપના ઓર્ડર પર વિવાદઃ વિપક્ષે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા નવા ‘સંચાર સાથી એપ અંગે જાહેર કરાયેલા આદેશને લઈને દેશમાં મોટું રાજકીય ઘમસાણ મચી ગયું છે. નવા આદેશ મુજબ ભારતમાં વેચાણ માટે બનેલા અથવા આયાત થનારા તમામ નવા મોબાઇલ હેન્ડસેટમાં આ એપ પ્રી-ઇન્સ્ટોલ કરવું ફરજિયાત રહેશે. વિરોધ પક્ષે તેને નાગરિકોના ગોપનીયતાના મૌલિક અધિકાર પર સીધો હુમલો ગણાવ્યો છે.

તાનાશાહીનું સાધન: કોંગ્રેસ

કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે આ આદેશની કડક ટીકા કરતાં જણાવ્યું હતું કે આ ‘ભારતીય નાગરિકોના બંધારણીય અધિકારો પર થતા સતત હુમલાઓની લાંબી શ્રેણીનો હિસ્સો છે અને આવા આદેશને ચાલુ રાખવાની છૂટ આપવામાં નહીં આવે.

વેણુગોપાલે X પર લખ્યું હતું કે એક પ્રી-લોડેડ સરકારી એપ, જેને અનઇન્સ્ટોલ પણ કરી શકાય નહીં, દરેક ભારતીય પર નજર રાખવા માટેનું તાનાશાહી સાધન છે. આ દરેક નાગરિકની દરેક પ્રવૃત્તિ, વાતચીત અને નિર્ણય પર નજર રાખવાનું એક માધ્યમ છે.

તેમણે કેન્દ્ર સરકારને સંચાર સાથી એપનો આદેશ પાછો ખેંચવાની માગ કરતાં કહ્યું હતું કે બિગ બ્રધર અમને જોઈ શકતો નથી. DoTનું આ નિર્દેશ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. પાર્ટીના એક અન્ય વરિષ્ઠ નેતા કાર્તિ ચિદમ્બરમે આ પ્રી-ઇન્સ્ટોલ્ડ એપને પેગાસસ (Pegasus++) ગણાવતાં જણાવ્યું હતું કે આ એપની મદદથી બિગ બ્રધર આપણો ફોન અને કંઈક હદ સુધી આપણું સંપૂર્ણ ખાનગી જીવન પોતાના કબજામાં લઈ લેશે.

શું છે સરકારી આદેશ?

સરકારી આદેશ અનુસાર કંપનીઓને ‘સંચાર સાથી એપ’ પ્રી-ઇન્સ્ટોલ કરવાના નિયમનું પાલન કરવા ત્રણ મહિના સમય આપવામાં આવ્યો છે. જોકે ઉદ્યોગના અધિકારીઓ સંભવિત વિરોધની આશંકા વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે યુઝર્સ આ એપને ઇન્સ્ટોલ થયાના બાદ ડિલીટ કરી શકશે નહીં. આ નિયમ Apple, Samsung, Xiaomi, Oppo, Vivo સહિત ભારતના તમામ મુખ્ય સ્માર્ટફોન ઉત્પાદકો પર લાગુ પડે છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે આ જરૂરિયાતનો હેતુ ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવાનો છે અને યુઝર્સ દ્વારા છેતરપિંડી, સ્પેમ અને ડિવાઇસ ચોરીની ફરિયાદ કરવાની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો છે.