કોરોનાથી આઇ સાઇટ નબળી પડયાનો કેસ નોંધાયો

મુંબઈઃ દિવસે દિવસે હવે એ સ્પષ્ટ થતું જાય છે કે કોરોના વાયરસ દરદીની દૃષ્ટિ પણ જોખમમાં મૂકી શકે છે. આવો જ એક કેસ હમણાં મુંબઇમાં નોંધાયો હતો.

મુંબઈના પરાં મુલુંડની સૂર્યા આઈ કેર ઈન્સ્ટીટયૂટ એન્ડ રિસર્ચ સેન્ટરના વિટ્રીઓરેટી સર્જન ડો. જય શેઠ પાસે કોરોનાને કારણે દૃષ્ટિની ઝાંખપનો એક કેસ જૂનના અંતમાં આવ્યો હતો.

ડો. જય શેઠ આ વિશે ચિત્રલેખા.કોમ ને કહે છે, ‘કોરોનાને લીધે આંખમાં બ્લોકેજ થયું હોય એવા કિસ્સા પહેલા બહાર આવ્યા નહોતા. અમારી પાસે આવ્યાના દસેક દિવસ પહેલા એ દરદી કોરોનાથી સાજો થયેલો. બે-ત્રણ દિવસમાં એને ડાબી આંખમાં દૃષ્ટિ ઓછી થતી લાગી. અમે ચકાસણી કરી તો રેટિનામાં બ્લોકેજ હતો. રેટિના સ્કેન કરીને જોયું તો પડદામાં સોજો દેખાયો. આંખોની એન્જ્યોગ્રાફીમાં પણ બ્લોકેજ જણાયા.’

અલબત્ત, આંખની આવી તકલીફ માટે ડાયાબિટિસ, બ્લડપ્રેશર, ટીબી, ડેન્ગુ વગેરે ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે, પણ ડો. જયે દરદીના બ્લડ ટેસ્ટ અને ચેસ્ટ એક્સરે કરાવ્યા તો બધા નેગેટીવ આવ્યા. અર્થાત, દૃષ્ટિમાં ઝાંખપ આવવાનું કોઈ દેખીતું કારણ નહોતું. પરિણામે એમણે નિદાન કર્યું કે આ કામ તો કોરોના વાયરસનું જ. પછી તો ડો. એમણે દરદીની આંખમાં ઈંજેક્શન આપ્યા. એક મહિના પછી સ્કેનિંગ કર્યું તો જણાયું કે વિઝન 100 ટકા પાછું આવ્યું છે. યુકેમાં થયેલા એક સ્ટડી મુજબ ડો. જય શેઠે દરદીને સ્ટીરોઈડ બેઝ્ડ દવાઓ પણ આપેલી. આ દવાઓથી ઈન્ફ્લેમેશનની સમસ્યા હળવી થાય છે.

કોરોનાની અસર દૃષ્ટિ પર પણ થયાનાો આ આખો કિસ્સો ઈન્ડિયન જનરલ ઓફ ઓપ્થેલોમોજીમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે. ડો. જય શેઠ કહે છે એમ, આ પબ્લિકેશન હકીકતમાં પિયર રિવ્યૂ જનરલ છે અર્થાત કોઈપણ રિસર્ચ પેપર મોકલાવાય એ પછી ચાર-પાંચ નિષ્ણાત ડોક્ટર્સ એ ચકાસે છે. અમુક સવાલો પણ કરે. એના સંતોષકારક જવાબ મળે પછી જ એ પેપરનો સ્વીકાર થાય. એ બધા સવાલ-જવાબ પછી કોરોનાને કારણે આંખનું વિઝન પ્રભાવિત થઈ શકે એવા અમારા અનુભવને આ જનરલે વૈજ્ઞાનિક પુષ્ટી આપી છે.

એ પછી ડો. જય શેઠે મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેને મળીને એમને પણ સૂચિત કર્યા છે કે કોરોનાથી આઇ સાઈટ પ્રભાવિત થવાનો પહેલો કેસ મુંબઈમાં મળ્યો છે.

જો કે અહીં પ્રશ્ન એ પણ થાય કે કોરોના વાયરસ સામે આંખનું રક્ષણ કેવી રીતે કરી શકાય?

જવાબમાં ડો. જય શેઠ કહે છે, કોરોના વાયરસનો શરીર પ્રવેશ નાક, મોં અને આંખથી પણ થાય છે એટલે બહાર ક્યાંક ગયા હોઈએ તો આવીને હાથ બરાબર સાફ કરવા. આંખને હાથ ન લગાડવો. સિનિયર સિટિઝને તો ખાસ ધ્યાન રાખવું. બહાર જતાં ફેસ શિલ્ડ કે ગોગલ્સનો ઉપયોગ કરીએ તો આંખ ચોળવાનું આપોઆપ ઓછું થાય. જો કે કોરાનાને કારણે આઈ સાઈટ નબળી પડવાની ખબર વિલંબથી પડે તો કદાચ દૃષ્ટિ બચાવી ન પણ શકાય.

(સમીર પાલેજા)