મુંબઈમાં રેલવે સ્ટેશનો પર રોજ 20 નકલી ID કાર્ડધારકો પકડાય છે, દંડાય છે

મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળાને કારણે મુંબઈમાં આમ જનતા માટે લોકલ ટ્રેન સેવા ગયા માર્ચ મહિનાથી બંધ છે. માત્ર સરકારી આવશ્યક સેવાઓમાં જોડાયેલા કર્મચારીઓને જ વિશેષ લોકલ ટ્રેનોમાં સફર કરવા દેવામાં આવે છે. તેથી ચાલબાજી કરીને, ખોટી રીતે ટ્રેનોમાં પ્રવાસ કરનો પ્રયાસ કરવા બદલ રોજ 20 જેટલા લોકોને પકડવામાં આવે છે.

પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, મુંબઈમાં દરરોજ 20 નકલી રેલવે આઈડેન્ટિટી કાર્ડધારકોને પકડવામાં આવે છે અને એમને દંડ ફટકારવામાં આવે છે. આવા લોકો ‘આવશ્યક સેવા કર્મચારી’નું નકલી આઈડી કાર્ડ મેળવીને રેલવે સ્ટેશનો પર પ્રવેશવાનો પ્રયાસ કરે છે. આવા લોકોની સંખ્યા વધી રહી છે.

કોરોનાવાઈરસ બીમારી ફેલાઈ હોવાને કારણે એનો ચેપ વધે નહીં એટલા માટે સામાન્ય નાગરિકોને મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવામાં આવતો નથી. હાલ માત્ર રાજ્ય તથા કેન્દ્ર સરકારોના કર્મચારીઓ, રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કોના કર્મચારીઓ તથા અન્ય આવશ્યક સેવાઓના સ્ટાફ સભ્યોને જ વિશેષ ઉપનગરીય ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવામાં આવે છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે એક નિવેદનમાં કહ્યું છે કે દરરોજ સરેરાશ 20 જેટલા લોકોને નકલી કે શંકાસ્પદ આઈડી કાર્ડ સાથે પકડવામાં આવે છે અને દંડ ફટકારવામાં આવે છે.

રેલવે તંત્રએ ગઈ 15મી જૂનથી વિશેષ લોકલ ટ્રેનોની સેવા શરૂ કરી છે. અત્યાર સુધીમાં ટિકિટ વગર ટ્રેનોમાં પ્રવાસ કરવા બદલ 4,555 જણને દંડ ફટકારવામાં આવ્યો છે. એવા લોકો પાસેથી દંડરૂપે કુલ રૂ. 23.24 લાખની રકમ વસૂલ કરવામાં આવી છે.

એક શખ્સ નકલી આઈડેન્ટિટી કાર્ડ વાપરીને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતો હતો. એના આઈડી કાર્ડ પર ધારકનો ફોટો હતો, આધાર કાર્ડ નંબર હતો અને પશ્ચિમ રેલવેનો નંબર સાથેનો લોગો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તે માણસ બોરીવલીમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતો હતો. એણે રેલવે પાસેથી પ્રપંચ કરીને ઓથોરિટી લેટર મેળવ્યો હતો.

આ કેસને જીઆરપીને સુપરત કરી દેવામાં આવ્યો છે અને એફઆઈઆર નોંધવામાં આવી છે.

આવો જ એક કેસ અંધેરી સ્ટેશન પર બન્યો હતો. એ શખ્સે પણ નકલી આઈડી કાર્ડ મેળવ્યું હતું. પૂછપરછ કરતાં એણે કહ્યું કે પોતે એક ફોટોકોપિઅર દુકાનમાં કામ કરે છે અને એના માલિકે એને તથા અન્ય કર્મચારીઓને નકલી આઈડી કાર્ડ આપ્યા હતા. તે શખ્સે એમ પણ કહ્યું કે આ નકલી ઈમરજન્સી પાસ લઈને ઓછામાં ઓછા 50-60 જણ પ્રવાસ કરે છે. આ શખ્સને પણ જીઆરપીને હવાલે કરવામાં આવ્યો છે અને એફઆઈઆર નોંધવામાં આવી છે.

બાદમાં, બોરીવલી સ્ટેશન ઉપર આ જ એજન્ટે ઈસ્યૂ કરેલા નકલી આઈડી કાર્ડ ધરાવનાર બે જણને પકડવામાં આવ્યા હતા. એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ એ જામીન પર છૂટ્યો છે.