નવી મુંબઈઃ બ્રેન-ડેડ મહિલાએ ચાર જણને નવું જીવન આપ્યું

મુંબઈઃ કોરોના વાઈરસનો રોગચાળો ફેલાયો છે ત્યારથી રોજ દર્દીઓ અને મૃત્યુને લગતા નિરાશાજનક સમાચારો આવતા રહ્યા છે ત્યારે હાલ એક રાહતના સમાચાર એ આવ્યા છે કે પડોશના નવી મુંબઈમાં એક બ્રેન-ડેડ મહિલાનાં શરીરનાં અવયવોનાં દાનથી ચાર દર્દીને નવું જીવન પ્રાપ્ત થયું છે.

પડોશના રાયગડ જિલ્લાના અને મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR)ના એક હિસ્સા, પનવેલ શહેરની વતની 62-વર્ષીય મહિલાને ગઈ 26 સપ્ટેમ્બરે ગંભીર હાલતમાં નવી મુંબઈના સીબીડી-બેલાપુરની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એને તપાસ્યા બાદ એને ઈન્ટ્રા-ક્રેનિઅલ હેમરેજ થયું હોવાનું નિદાન કરાયું હતું. તમામ પ્રકારની સારવાર અને પ્રયાસો છતાં એ મહિલા સાજી થઈ શકી નહોતી અને આખરે 29 સપ્ટેમ્બરે એને બ્રેન-ડેડ ઘોષિત કરવામાં આવી હતી.

ડોક્ટરોએ ત્યારબાદ એનાં પરિવારજનો સાથે મસલત કરી હતી, જ્યારબાદ તેઓ મહિલાનાં અંગોનું દાન કરવા સહમત થયાં હતાં. પરિવારે મંજૂરી આપ્યા બાદ હોસ્પિટલના ડોક્ટરોએ મૃત ઘોષિત મહિલાનાં શરીરનું લિવર, કિડનીઓ અને એક ફેફસું કાઢી લીધાં હતાં અને સંગ્રહ કર્યો હતો.

મહિલાનાં લિવરને ત્યારબાદ કોલ્હાપુરના 39 વર્ષીય પુરુષમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું અને બે કિડની નવી મુંબઈના બે દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.

ફેફસા માટે કોઈ ઉચિત ગ્રહણ કરનાર નહોતું. પરંતુ ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેશન સેન્ટર મારફત ચેન્નાઈમાં એક જણને ફેફસાની જરૂર હોવાનું માલૂમ પડ્યું હતું. તેથી ગ્રીન કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને મહિલાનાં ફેફસાંને એપોલો હોસ્પિટલથી મુંબઈ એરપોર્ટ સુધી 38 કિ.મી.નું અંતર 30 મિનિટમાં કાપીને પહોંચતું કરવામાં આવ્યું હતું અને ત્યાંથી વિમાન દ્વારા ફેફસાને ચેન્નાઈની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

આમ, એક મહિલાનાં અંગદાનથી ચાર વ્યક્તિને નવજીવન પ્રાપ્ત થયું છે. હોસ્પિટલનાં ડોક્ટરોએ આ માટે મૃત મહિલાનાં પરિવારજનોનો આભાર માન્યો છે.