મુંબઈમાં ટીફિનસર્વિસવાળાઓને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ અપાઈ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કોરોના રોગચાળાને ફેલાતો રોકવા માટે લાગુ કરાયેલું લોકડાઉન 31 ઓક્ટોબર સુધી લંબાવ્યું છે.

સરકારે જોકે અમુક છૂટછાટોની જાહેરાત પણ કરી છે. એક મહત્ત્વની રાહત આપવામાં આવી છે, ડબ્બાવાળાઓને, જેઓ શહેર અને ઉપનગરોમાં જઈ જઈને લોકોને ટિફિન પહોંચાડવાની સેવા પૂરી પાડે છે.

ડબ્બાવાળાઓએ આ નિર્ણય બદલ મહારાષ્ટ્ર સરકારનો આભાર માન્યો છે.

પાટનગર મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવા છતાં રાજ્ય સરકારે લોકડાઉન નિયંત્રણોમાં ‘મિશન બીગિન અગેન’ પ્રક્રિયા અને અનલોક-5 અંતર્ગત અમુક છૂટછાટો આપી છે.

રાજ્યમાં હોટલ, રેસ્ટોરન્ટ્સ, બીયર બાર, ફૂડ કોર્ટ્સને પાંચમી ઓક્ટોબરથી 50 ટકાની ક્ષમતા સાથે ફરી ખોલવાની પરવાનગી અપાશે. એમણે રાજ્ય સરકાર તેમજ ટૂરિઝમ વિભાગ, બંનેએ આરોગ્યને લગતા નક્કી કરેલા અલગ અલગ નિયમોનું પાલન કરવાનું રહેશે.

માગણી વધી રહી હોવાથી, રેલવેએ મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR)ની અંદર લોકલ ટ્રેનોની ફ્રીક્વન્સી વધારવાનું નક્કી કર્યું છે.

એવી જ રીતે, MMRની અંદર ડબ્બાવાળાઓને પણ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની મંજૂરી આપી છે. એમણે તે માટે મુંબઈના પોલીસ કમિશનરના કાર્યાલયમાંથી QR કોડ્સ મેળવવાના રહેશે.

પુણે શહેરમાં પણ લોકલ ટ્રેનો ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

જોકે મુંબઈમાં લોકલ ટ્રેનોમાં સામાન્ય જનતાને પ્રવાસ ક્યારે કરવા દેવામાં આવશે તે વિશે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

MMRની અંદર બિન-આવશ્યક ચીજવસ્તુઓના તમામ ઔદ્યોગિક અને મેન્યૂફેક્ચરિંગ યુનિટ્સ ફરી શરૂ કરવાની પરવાનગી અપાઈ છે.

તે છતાં, રાજ્યમાં સિનેમા હોલ્સ, સ્વિમિંગ પૂલ્સ, મનોરંજન પાર્ક્સ, શોપિંગ મોલ્સની અંદરના થિયેટરો અને માર્કેટ સ્થળો, ઓડિટોરિયમ્સ તથા સભાસ્થળો હજી બંધ જ રહેશે. એવી જ રીતે, શાળાઓ, કોલેજો તતા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસીસ પણ બંધ જ રહેશે.

મેટ્રો રેલવે પણ બંધ જ રહેશે.

ધાર્મિક સ્થળો ખાતે પણ શ્રદ્ધાળુઓને એકત્રિત થવા પરનો પ્રતિબંધ ચાલુ છે.

હોટેલ અને રેસ્ટોરન્ટ્સ માલિકોના સંગઠન AHARના પ્રમુખ શિવાનંદ શેટ્ટીએ રાજ્યમાં 50 ટકાની ક્ષમતા સાથે રેસ્ટોરન્ટ્સને ફરી ખોલવા દેવાના સરકારના નિર્ણયને આવકાર આપ્યો છે.