નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષા વ્યવસ્થાની શ્રેણીને અપગ્રેડ કરી છે. 65 વર્ષીય અંબાણીને હાલ ‘Z’ કેટેગરીનું સુરક્ષા કવચ અપાય છે, તેને હવે અપગ્રેડ કરીને ‘Z+’ કરવામાં આવ્યું છે. અંબાણીના જાન પર કથિત ખતરાની ધારણાની કેન્દ્રીય ગુપ્તચર તથા સુરક્ષા એજન્સીઓએ સમીક્ષા કર્યા બાદ એમના સુરક્ષા કવચને અપગ્રેડ કરવાનો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીને 2013માં એક પેમેન્ટના આધારે સીઆરપીએફ કમાન્ડોનું ‘Z’ કેટેગરીનું સુરક્ષા કવર આપવામાં આવ્યું હતું. મુકેશભાઈના પત્ની નીતા અંબાણીને પણ આવું સશસ્ત્ર કવચ આપવામાં આવ્યું છે, પરંતુ એમની કેટેગરી ‘Y+’ છે, જેમાં કમાન્ડોની સંખ્યા ઓછી હોય છે.
બ્લૂમબર્ગની લેટેસ્ટ યાદી અનુસાર, મુકેશ અંબાણી દુનિયાના 10મા નંબરના સૌથી શ્રીમંત વ્યક્તિ છે. દેશના અન્ય ટોચના અબજોપતિ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને ‘Z’ કેટેગરીનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે, જે અંતર્ગત એમની સુરક્ષાની જવાબદારી પેમેન્ટના આધારે કેન્દ્ર સરકારના આદેશાનુસાર સીઆરપીએફ કમાન્ડો દ્વારા સંભાળવામાં આવે છે.