RBIએ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યોઃ EMI વધશે

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે (RBI) આ વર્ષના મે મહિનાથી અત્યાર સુધી સતત ચોથી વાર વ્યાજદરોમાં વધારો કર્યો છે. મોંઘવારી દરમાં નોંધપાત્ર વધારો થયો છે. જેથી મોંઘવારીને અંકુશમાં રાખવા માટે રિઝર્વ બેન્કે વ્યાજદરોમાં 30 સપ્ટેમ્બરે ફરી વધારો કર્યો છે. RBIએ રેપો રેટમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો છે, જેથી એ 5.40થી વધીને 5.90 ટકા થયો છે. આ પહેલાં પાંચ ઓગસ્ટે રેપો રેટમાં 50 બેઝિસ પોઇન્ટ, જૂનમાં 50 બેઝિસ પોઇન્ટ અને મેમાં 40 બેઝિસ પોઇન્ટનો વધારો થયો છે. RBIએ વ્યાજદર વધારતાં હોમ, પર્સનલ અને કાર લોન લેવી મોંઘી પડશે. RBIએ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ પણ વધાર્યો છે. STFને 5.65 ટકા અને MSFને 6.15 ટકા રાખવામાં આવ્યો છે.

અમેરિકી કેન્દ્રીય ફેડરલ રિઝર્વે  વ્યાજદરોમાં 300 બેઝિસ પોઇન્ટ એટલે કે ત્રણ ટકાનો વધારો કર્યો છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કોરોના વાઇરસના સંકટ પછી રશિયા- યુક્રેન યુદ્ધને કારણે વિશ્વનાં અર્થતંત્ર પહેલેથી સંકટમાં હતા. હવે વિશ્વભરની મધ્યસ્થ બેન્કોએ આક્રમક મોનિટરી પોલિસીના વલણને કારણે એક વધુ સંકટ ઊભું થયું છે.

બીજી બાજુ, RBIએ નાણાકીય વર્ષ 2022-23માં GDP ગ્રોથનો અંદાજ ઘટાડી દીધો છે. બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં GDP ગ્રોથ સાત ટકા અંદાજ્યો છે. એ પહેલાં બેન્કે GDP ગ્રોથનો અંદાજ 7.2 ટકા અંદાજ્યો હતો.  બેન્કે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથનો અંદાજ 4.6 ટકા કર્યો છે અને આગામી નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથનો અંદાજ 4.6 ટકા રાખ્યો છે.