ન્યૂયોર્કઃ અમેરિકામાં 14 મહાનગરો અને મેક્સિકો સિટીમાં ઉબર કેબ સર્વિસની એપ્લિકેશન વાપરતા લોકો માટે સારા સમાચાર છે. રાઈડ-હેઈલિંગ એપ ઉબરે એક નવું ફીચર ઉમેર્યું છે – ‘એક્સપ્લોર’. આ ફીચર ઘણી નવી સુવિધાઓ પૂરી પાડે છે. નવું ફીચર ગ્રાહકોને કોન્સર્ટની ટિકિટ ખરીદવાની, ટોચની રેસ્ટોરન્ટ અને બીયર બારમાં ટેબલ બુક કરાવવાની સુવિધા આપે છે અને લોકપ્રિય સ્થળોએ ઉબર સવારીમાં ડિસ્કાઉન્ટ અપાવે છે. ‘એક્સપ્લોર’માં સામેલ કરાયેલા સ્થળોએ ઉબરની ટેક્સી સવારી પર 15 ટકા ડિસ્કાઉન્ટ મળશે.
એટલું જ નહીં, આ રાઈડ-શેર કંપનીએ તેની એપને નવા ફીચર સાથે એક લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ તરીકે બનાવી દીધી છે. આ ફીચરની મદદથી ગ્રાહક ખાદ્યપદાર્થો અને કરિયાણાની ચીજવસ્તુઓ પણ ઓર્ડર આપીને પોતાના ઘેર મગાવી શકે છે. ઉબર તેના આ ‘એક્સ્પ્લોર’ ટેબને આવનારા અઠવાડિયાઓ અને મહિનાઓમાં વધારે શહેરોમાં લાગુ કરવાની છે.