ઈન્વેસ્ટમેન્ટનો સુવર્ણકાળ ભારત માટે ટેક્નોલોજીની દ્રષ્ટિએ ઉત્તમ બની રહેશેઃ આશિષ ચૌહાણ

પ્રગતિશીલ ભારતની આઝાદીના ૭૫ વર્ષના અવસરે અને દેશની જનતાના યશસ્વી ઈતિહાસની ઉજવણી કરવા ભારત સરકારે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પહેલ શરૂ કરી છે. તે અંતર્ગત ‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, ‘ચિત્રલેખા’ના વાચકો, ‘ચિત્રલેખા.કોમ’ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીનો એક વધુ મણકો શનિવાર, 26 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યો હતો. આ વેબિનારનો વિષય હતોઃ ‘ઈન્વેસ્ટમેન્ટ્સનો અમૃત કાળ’. તેમાં નિષ્ણાત વક્તાઓએ ‘ભારત માટે આવનારા 25 વર્ષ કેવા હશે’, ‘ ઈન્વેસ્ટમેન્ટ્સમાં ટેક્નોલોજીની ભૂમિકા’ અને ‘અમૃત કાળ માટે મ્યુચ્યુઅલ ફંડ્સનું મહત્ત્વ’ મુદ્દાઓ પર જ્ઞાનવર્ધક અને માહિતીપ્રદ ચર્ચા કરી હતી તથા દર્શકો-રોકાણકારોને માર્ગદર્શન આપ્યું હતું.

આ વખતના વેબિનારમાં આ નિષ્ણાતોએ ભાગ લીધો હતોઃ, આશિષ ચૌહાણ (એમડી અને સીઈઓ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ), આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના ઈન્વેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રીબ્યુટર ડેવલપમેન્ટ વિભાગના ઝોનલ મેનેજર શૈલેન્દ્ર દીક્ષિત અને અમિત ત્રિવેદી (પર્સનલ ફાઈનાન્સમાં નિષ્ણાત અને લેખક). અમિતભાઈએ કાર્યક્રમનું સંચાલન પણ કર્યું હતું. ‘ચિત્રલેખા’ દ્વારા આ વેબિનારનું આયોજન ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી – એમ ત્રણ ભાષામાં કરવામાં આવ્યું હતું.

આશિષ ચૌહાણે જણાવ્યું કે, ટેક્નોલોજી એવી ચીજ છે જે દરેક રીતે આપણા જીવન સાથે જોડાયેલી રહી છે. સ્ટોક માર્કેટની કારકિર્દીમાં મને 32 વર્ષ થઈ ગયા છે અને બીએસઈમાં જેટલી આધુનિક પ્રગતિ થઈ છે જેમ કે, ડિપોઝીટરી, કમ્પ્યુટરાઈઝેશન વગેરે એ બધામાં હું અંગત રીતે સંકળાયેલો રહ્યો છું. આજના સમયમાં ટેક્નોલોજીઓમાં ઘણી તેજી આવી છે. આવનારા 25 વર્ષો, જે મારા મતે સુવર્ણકાળ હશે, એ ભારત માટે ટેક્નોલોજીની દ્રષ્ટિએ ઘણો જ સારો બની રહેશે. આ વર્ષોમાં દુનિયાભરમાં અઢળક સંપત્તિ બનશે અને ભારત પણ એમાં પાછળ નહીં રહે. ટેક્નોલોજીથી ખૂબ ધન-સંપત્તિ પ્રાપ્ત થશે. પરંતુ એ જરૂરી નથી કે તમે જે ટેક્નોલોજી કંપનીમાં પૈસા ઈન્વેસ્ટ કરો છો એ જ માર્કેટમાં સારો દેખાવ કરે. જેમની પાસે કંપનીઓની કામગીરીઓ વિશે જાણવાનો સમય ન હોય, જો તમે સ્ટોક માર્કેટના નિષ્ણાત નથી તો તમે કોઈ અન્ય નિષ્ણાતની મદદ લઈને મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ તમારા પૈસા રોકી શકો છો. ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓમાં પણ તમે ઈન્વેસ્ટ કરી શકો છો. બીએસઈમાં સ્ટાર્ટઅપ નામનું સેગ્મેન્ટ બનાવવામાં આવ્યું છે. એવી જ રીતે, SMEs કંપનીઓ છે. બીએસઈ આજે 147 વર્ષ જૂની સંસ્થા છે. આજે અહીં સક્રિય 4,000થી વધુ કંપનીઓની સંપત્તિનો આંકડો છે 3.6 ટ્રિલ્યન ડોલર છે. આ આંકડો આવતા 50 વર્ષમાં વધીને 35 ટ્રિલ્યન ડોલર થશે એવો મને વિશ્વાસ છે. ક્રિકેટમાં જેમ અમ્પાયર હોય છે એવી જ ભૂમિકા બીએસઈમાં મારી છે. ટ્રેડિંગમાં હેરાફેરીની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવાનું મારું કામ છે. ઘણા લોકોને કઠોર દેખરેખ (સર્વેલન્સ) પસંદ નથી આવતી, પરંતુ સામાન્ય રોકાણકારોનું હિત જાળવવા માટે અમુક કડક પગલાં લેવા જરૂરી હોય છે. ભારતમાં ક્યારેક કરોડો રૂપિયાનું ટ્રેડિંગ, સટ્ટાખોરી થાય છે. એનાથી દેશનો વિકાસ થતો નથી. એ માટે હું આદિત્ય બિરલા ગ્રુપના મ્યુચ્યુઅલ ફંડની પ્રશંસા કરીશ કે તમે લોકોને સટ્ટાથી દૂર રહીને ઈન્વેસ્ટમેન્ટ કરવાનું શીખડાવો છે.

આશિષભાઈએ ‘ચિત્રલેખા’ના વાચકોને આપેલા પોતાના ખાસ સંદેશમાં જણાવ્યું હતું કે ભારત આઝાદીના 75 વર્ષ પૂરા કરી રહ્યું છે એ સૌને માટે ગૌરવની વાત છે. દેશનું ભવિષ્ય ઉજ્જવળ જણાઈ રહ્યું છે, તેથી નવા મૂડીરોકાણ માટે, નવા રોજગાર માટે ઘણી નવી તકો આવશે. એટલું યાદ રાખવું કે સમજી વિચારીને ઈન્વેસ્ટમેન્ટ કરવું, પણ સટ્ટો ન કરવો.

અમિત ત્રિવેદીએ કહ્યું કે, આવનારા વર્ષો ભારતીય અર્થતંત્ર અને ભારતીય ઈન્વેસ્ટરો, બંને માટે અમૃતકાળ બની શકે છે. પરંતુ જેમ પૈસા કેમ વધારવા એ આપણી જવાબદારી છે તો પૈસા કેમ ન ગુમાવવા એ પણ દરેકની પોતાની જ જવાબદારી બને છે.

શૈલૈન્દ્ર દીક્ષિતે પર્સનલ ફાઈનાન્સ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું. આવનારા 25 વર્ષ – અમૃતકાળ – ભારતની સમૃદ્ધિનાં 25 વર્ષ હશે અને આપણે સહુ એ વિશે ઘણા જ આશાવાદી છીએ. આ અમૃતકાળનો વધુમાં વધુ લાભ કઈ રીતે લઈ શકાય અને એ માટે ઈન્વેસ્ટરો કઈ પદ્ધતિને અપનાવી શકે છે એ વિશે દીક્ષિતે એક ગ્રાફિક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. એમણે કહ્યું હતું કે અમૃતકાળ દરમિયાન આપણે એ ધ્યાન રાખવાનું છે કે દરેક જણે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે પોતે જીવનના કયા કાળમાં છે. જેમ કે કોઈ પરણી ગયા હોય, કોઈને નિવૃત્તિનાં અમુક વર્ષ બાકી રહ્યા હોય કે કોઈ નિવૃત્તિ બાદનું જીવન જીવી રહ્યાં હોય વગેરે.

અમિત ત્રિવેદીએ કહ્યું કે, નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વર્ષ 2022-23ના કેન્દ્રીય બજેટની રજૂ કરેલી દરખાસ્તોમાંથી ટેક-અવે લેવા કરતાં આપણે બજેટને બહોળા દ્રષ્ટિકોણથી જોવું જોઈએ. બજેટ આમ તો એક-એક વર્ષનું હોય છે, પરંતુ આ વખતના બજેટમાં નાણાં પ્રધાને આવનારા 25-વર્ષમાં ભારતનું વિઝન દર્શાવ્યું છે એ જ આપણા માટે એક બોધપાટ સમાન છે.

ચર્ચાસત્ર બાદ વક્તાઓએ દર્શકો-ઈન્વેસ્ટરોએ પૂછેલાં સવાલોના જવાબ આપ્યા હતા.

વેબિનારની શરૂઆતમાં, ‘ચિત્રલેખા.કોમ’ના તંત્રી કેતન ત્રિવેદીએ નિષ્ણાત વક્તાઓ તથા ઈન્વેસ્ટરો, દર્શકો- વાચકોનું સ્વાગત કર્યું હતું. તેમણે નિષ્ણાત વક્તાઓનો સંક્ષિપ્તમાં પરિચય કરાવ્યો હતો.

(સંપૂર્ણ વેબિનારનો વિડિયો જુઓ)