મુંબઈઃ નોકરી શોધી રહેલા કે નોકરી બદલવા માગતા ટેલેન્ટેડ પ્રોફેશનલ લોકો માટે સારા સમાચાર છે. ઉદ્યોગપતિ રતન ટાટાના સમર્થનવાળી કંપની, ટાઈટન કંપની આવતા પાંચ વર્ષમાં 3,000થી વધારે કર્મચારીઓની ભરતી કરવા ધારે છે. આ કંપની જ્વેલરી અને કાંડાઘડિયાળ જેવી લક્ઝરી ફેશન એક્સેસરીઝ બનાવે છે. તે એન્જિનીયરિંગ, ડિઝાઈન, લક્ઝરી, ડિજિટલ, ડેટા એનાલિટિક્સ, માર્કેટિંગ, સેલ્સ તથા અન્ય વિભાગો માટે નવા લોકોની ભરતી કરવા ધારે છે.
કંપની સાઈબર સુરક્ષા, ડેટા એનાલિટિક્સ, પ્રોડક્ટ મેનેજમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ તથા અન્ય આધુનિક જમાનાને અનુરૂપ વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલ્સને નોકરીએ રાખવા માગે છે, એમ ટાઈટનના એચઆર-કોર્પોરેટ અને રીટેલ વિભાગના વડા પ્રિયા પિલ્લાઈએ એક નિવેદનમાં કહ્યું છે.
ટાઈટન કંપની ટાટા ગ્રુપ અને તામિલનાડુ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ટીડકો)નું સંયુક્ત સાહસ છે. કંપની આવતા પાંચ વર્ષમાં એક લાખ કરોડના બિઝનેસનું લક્ષ્યાંક સિદ્ધ કરવા ધારે છે.