જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસની બોન્ડ ઇશ્યુ થકી રૂ. 10,000 કરોડની યોજના

નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની કંપની રિલાયન્સ દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 15.89 લાખ કરોડ કરતાં વધુ છે. રિલાયન્સે હાલમાં જ સ્થાપેલી જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસને ઓગસ્ટમાં શેરરબજારમાં લિસ્ટ કરી હતી. કંપની લાઇફ, હેલ્થ અને જનરલ ઇન્સ્યોરન્સ ક્ષેત્રે હાજરી ધરાવે છે. હરીફ બજાજ ઓટોની સાથે હરીફાઇ કરવા માટે કંપનીની ઓટો અને હોમ લોન ક્ષેત્રે પણ પ્રવેશવાની યોજના છે. 

રિલાયન્સે હાલમાં જ એના બિઝનેસનું ડીમર્જર કર્યું છે. કંપનીએ એની નાણાકીય સર્વિસિસ, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસને અલગ કરવાની જાહેરાત કરી હતી. મુકેશ અંબાણીએ પુત્રી ઇશા અંબાણીને અલગ કરવામાં આવેલી નાણાકીય સર્વિસિસના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે સામેલ કરવાની ઘોષણા કરી હતી. આ નવી કંપનીનું માર્કેટ કેપ પણ રૂ. 1.5 લાખ કરોડથી વધુ છે, એમ અહેવાલ કહે છે.કંપની હાલમાં મર્ચન્ટ બેન્કરો સાથે બોન્ડ ઇસ્યુ માટે વાટાઘાટ કરી રહી છે. કંપનીનો આ બોન્ડ ઇશ્યુ રૂ. 5000 કરોડથી રૂ. 10,000 કરોડનો હોવાની શક્યતા છે. કંપની આ બોન્ડ ઇશ્યુ માર્કેટમાં આ વર્ષના અંતમાં લાવે એવી શક્યતા છે.

કંપનીની યોજના નજીકના ભવિષ્યમાં સંપૂર્ણ નાણાકીય સર્વિસિસ તરીકેની કંપની સ્થાપિત કરવાની છે. કંપનીએ હાલમાં જ એની કમાણીનો રિપોર્ટ બહાર પાડ્યો હતો. કંપનીનો ચોખ્ખો નફો 30 સપ્ટેમ્બરે પૂરા થતા ત્રિમાસિક ગાળામાં એની અગાઉના ત્રિમાસિકના રૂ. 331.92 કરોડથી વધીને રૂ. 668.18 કરોડ થયો હતો.