વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ ૩૯.૪૫ ટ્રિલ્યન રૂપિયાનું છે

નવી દિલ્હીઃ દેશનું આવતા નાણાકીય વર્ષનું બજેટ દેશનું આવતા નાણાકીય વર્ષનું બજેટ ૩૯.૪૫ ટ્રિલ્યન રૂપિયા (૫૨૯.૭ અબજ ડૉલર)નું છે. મંગળવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જાહેર કર્યા મુજબ હાઇવેથી લઈને એફોર્ડેબલ હાઉસિંગ સુધીનાં અનેક ક્ષેત્રે રોકાણ વધારવામાં આવશે.

નાણાં પ્રધાને કહ્યું હતું કે અર્થતંત્ર ઝડપથી અને સારી રીતે પુનઃ ધમધમતું થયું છે, જે દેશની મજબૂતી દર્શાવે છે.

તેમણે હાઇવેના વિસ્તારીકરણ માટે ૨૦૦ અબજ રૂપિયા (૨.૬૮ અબજ ડૉલર)નો ખર્ચ કરવાની જાહેરાત કરવાની સાથે સાથે જણાવ્યું હતું કે આગામી ત્રણ વર્ષોમાં દેશમાં ૪૦૦ નવી ટ્રેન વિકસાવવામાં આવશે તથા તેમનું ઉત્પાદન કરવામાં આવશે.

વર્તમાન નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાધનું અનુમાન અગાઉના ૬.૮ ટકાના અંદાજ કરતાં થોડું વધારીને ૬.૯ ટકા કરવામાં આવ્યું છે. આવતા વર્ષે આ ખાધ જીડીપીના ૬.૪ ટકા રહેશે એવી ધારણા બજેટમાં રખાઈ છે.

સીતારામને બ્લોકચેઇન અને અન્ય પૂરક ટેક્નૉલૉજીની મદદથી દેશમાં ડિજિટલ કરન્સી શરૂ કરવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી.

સરકારે દેશની રાજકોષીય ખાધનો અંદાજ થોડો વધાર્યો તેને પગલે ૧૦ વર્ષના બેન્ચમાર્ક બોન્ડની ઊપજમાં વધારો થતાં આંક ૬.૭ ટકા પર પહોંચ્યો હતો.

નોંધનીય છે કે પાછલા નાણાકીય વર્ષ માટેનો જીડીપીનો વાસ્તવિક વૃદ્ધિદર ૯.૨ ટકા અંદાજિત હોવાથી એમ કહી શકાય કે દેશના અર્થતંત્રમાં કોરોના પૂર્વેની સ્થિતિની તુલનાએ ૧૦૧.૩ ટકા જેટલો સુધારો આવ્યો છે.

બજેટના દસ્તાવેજોમાં જણાવાયા અનુસાર રોકાણ અને નિકાસનું પ્રમાણ પણ કોરોના પૂર્વેના એટલે કે ૨૦૧૯-૨૦ના સ્તરે આવી ગયું છે. ખાનગી વપરાશનું પ્રમાણ કોરોના પૂર્વેના ૯૭.૧ ટકા સુધી પહોંચ્યું છે. પાછલા વર્ષે નિકાસ અને આયાતનું પ્રમાણ સ્થિર ભાવને ધ્યાનમાં રાખતાં અનુક્રમે ૧૬.૫ ટકા અને ૨૯.૪ ટકાના દરે વધ્યું છે.

દરમિયાન, શેરબજારે આર્થિક સર્વેક્ષણની જેમ જ બજેટને પણ વધાવી લીધું છે. આથી એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ ૧.૪૬ ટકા (૮૪૮.૪૦ પોઇન્ટ) વધીને ૫૮,૮૬૨.૫૭ થયો હતો.