આરોગ્ય ક્ષેત્રે ડિજિટાઇઝેશનની જાહેરાત

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટના ભાષણમાં જણાવ્યા મુજબ દેશમાં રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય પરિતંત્ર માટે એક મુક્ત મંચ તૈયાર કરવામાં આવશે. આ મંચ પર આરોગ્યસેવાઓના પ્રદાતાઓની તથા આરોગ્ય સેવાઓની ડિજિટલ રજિસ્ટ્રી બનાવવામાં આવશે. એ ઉપરાંત દરેકની આરોગ્યસંબંધી ઓળખ રચાશે, આરોગ્ય સેવા ક્ષેત્રે આપવામાં આવતી સંમતિઓની નોંધ લેવાશે તથા સૌને મળી રહે એવી આરોગ્ય સેવાઓને આ મંચ પર આવરી લેવામાં આવશે.

કોરોના રોગચાળાને પગલે દેશમાં નાગરિકોને માનસિક આરોગ્યની સમસ્યા સતાવી રહી છે. એમને સારું કાઉન્સેલિંગ અને સેવા મળે એ માટે ૨૩ ટેલી મેન્ટલ હેલ્થ સેન્ટર્સ શરૂ કરવામાં આવશે. માનસિક આરોગ્ય માટેની દેશની ખ્યાતનામ સંસ્થા – નિમહાન્સ (નૅશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યુરોસાયન્સીસ તેનું કેન્દ્ર હશે.