નવી દિલ્હીઃ ટાટા ગ્રુપ દ્વારા કેન્દ્ર સરકાર હસ્તકની એરલાઈન એર ઈન્ડિયાના હસ્તાંતરણની પ્રક્રિયા સત્તાવાર રીતે પૂરી થઈ ગઈ છે. ટાટા સન્સ કંપનીના ચેરમેન એન. ચંદ્રશેખરને આમ જણાવ્યું છે. ટાટા સન્સ કંપની ટાટા ગ્રુપમાં કન્ટ્રોલિંગ હિસ્સો ધરાવે છે. એર ઈન્ડિયાના હસ્તાંતરણ અંગે ચંદ્રશેખરન આજે બપોરે અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. વડા પ્રધાનના કાર્યાલયે ટ્વીટ દ્વારા આની જાણકારી આપી છે.
સોંપણી કરી દેવાયા બાદ ટાટા ગ્રુપ તેનું સઘળું લક્ષ એર ઈન્ડિયાના ઓન-ટાઈમ-પરફોર્મન્સને સુધારવા પર કેન્દ્રિત કરશે. એરલાઈનની સત્તાવાર સોંપણી બાદ ટાટા ગ્રુપ એર ઈન્ડિયામાં ઘણા મોટા ફેરફારો કરવાનું છે. વધુમાં વધુ તકેદારી એર ઈન્ડિયાના વિમાન સમયસર ઉડ્ડયન કરે એની લેવામાં આવશે. તે ઉપરાંત વિમાનોમાં બેઠકોની વ્યવસ્થામાં તેમજ કેબિન ક્રૂ સભ્યોનાં ડ્રેસમાં ફેરફાર પણ કરાશે.
એર ઈન્ડિયાના પ્રવાસીઓને વિમાનપ્રવાસ વખતે પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તામાં સુધારો કરવાને પણ ટાટા ગ્રુપ ટોચની પ્રાથમિકતા આપશે.