મુંબઈઃ ક્રૂડ ઓઇલની કિંમતોમાં નરમાઈ અને બેન્કિંગ અને આઇટી શેરોમાં જોરદાર લેવાલીથી સેન્સેક્સ 936 પોઇન્ટ અને નિફ્ટી ઇન્ડેક્સ 241 પોઇન્ટ ઊછળ્યા હતા. વળી, સત્તાધારી ભાજપને ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં જ્વલંત જીતથી સેન્ટિમેન્ટને બુસ્ટ મળ્યું હતું. જેથી સેન્સેક્સ 56,486 અને નિફ્ટી 16,871ના સ્તરે બંધ થયા હતા.
સેન્સેક્સની કંપનીઓમાં ઇન્ફોસિસ, એસબીઆઇ, એચડીએફસી બેન્ક, એક્સિ બેન્ક, મારુતિ સુઝુકી અને ICICI બેન્ક અને વિપ્રોમાં તેજી થઈ હતી. જોકે હિન્દુસ્તાની યુનિલિવર લિ. સન ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ અને ટાટા સ્ટીલ નફારૂપી વેચવાલીથી ઘટ્યા હતા. મિડકેપ ઇન્ડેક્સ ચાર ટકા વધીને 23,314ના સ્તરે બંધ થયો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 84 પોઇન્ટ વધીને 27,226.34ના સ્તરે બંધ થયો હતો. બેન્ક નિફ્ટી 765 પોઇન્ટ વધીને 35,312ના સ્તરે બંધ થયો હતો.વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય શેરબજારોમાં સતત વેચવાલી કરી હતી. વિદેશી રોકાણકારોએ શુક્રવારે રૂ. 2263.90 કરોડની વેચવાલી કરી હતી.
ડેપ્યુટી ગર્વનર માઇકલ પાત્રાએ કહ્યું હતું કે RBI આઠ એપ્રિલે થનારી ધિરાણ નીતિની સમીક્ષામાં ગ્રોથ અને મોંઘવારીની પણ સમીક્ષા કરશે, કેમ કે રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા સંઘર્ષથી મોંઘવારીમાં વધારો થવાની આશંકા છે. જેથી દુનિયાઆખીમાં મોંઘવારી વધવાની દહેશત છે. એટલે રિઝર્વ બેન્ક આગામી ધિરાણ નીતિમાં ગ્રોથને સપોર્ટ કરવાની નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરશે, એમ તેમણે કહ્યું હતું.
ડિપોઝિટરીના આંકડા અનુસાર FPIએ બીજીથી 11 માર્ચ શેરોમાં રૂ. 41,168 કરોડની વેચવાલી કરી હતી. આ ઉપરાંત તેમણે ડેટ સેગમેન્ટમાં 4431 કરોડ અને હાઇબ્રિડ સાધનોમાં રૂ. નવ કરોડ પરત ખેંચ્યા હતા.