એપ્રિલ-મેમાં રૂ. 14,302 કરોડની GST ચોરી પકડાઈ, 28ની ધરપકડ

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના પહેલાં બે મહિનામાં રૂ. 14,302 કરોડની GST ચોરીના 2784 કેસ પકડાયા હતા. આ સમયગાળામાં રૂ. 5716 કરોડની વસૂલાત કરવામાં આવી છે એમ નાણાપ્રધાન સીતારામને લોકસભામાં એક લેખિત ઉત્તરમાં જણાવ્યું છે. આંકડા અનુસાર વર્ષ 2020-21 અને 2023-24 (એપ્રિલ-મે) દરમ્યાન 43,516 કેસોમાં રૂ. 2.68 લાખ કરોડથી વધુની GST ચોરી માલૂમ પડી હતી. આ દરમ્યાન રૂ. 76,333 કરોડની વસૂલાત કરવામાં આવી છે. 1020 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને GST અને આવકવેરાની ચોરી સાથે બોર્ડર કસ્ટમ વિભાગ દ્વારા ચોરી માલૂમ કરવાની વિગતો શેર કરતાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ એપ્રિલ-મેમાં રૂ. 14,302 કરોડની ચોરી 2784 કેસ પકડવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમ્યાન 28 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને રૂ. 5716 કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા.

પાછલાં પાંચ વર્ષોમાં આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલાં સર્વેક્ષણો, તપાસ અને જપ્તી ઝુંબેશના આંકડા અનુસાર 3946 ગ્રુપોની તપાસ કરવામાં આવી હતી, જ્યારે રૂ. 6662 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2022-23માં 741 ગ્રુપોની તપાસ કરવામાં આવી હતી અને રૂ. 1765.56 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.

છેલ્લાં ચાર વર્ષોમાં બોર્ડર કસ્ટમ વિભાગે ચોરીના 42,754 કેસ પકડાયા હતા, જેની કિંમત રૂ. 46,000 કરોડ છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-મેના સમયગાળામાં બોર્ડર કસ્ટમ વિભાગ દ્વારા રૂ. 1031 કરોડના મૂલ્યના માલસામાનની ચોરીના 2986 કેસો માલૂમ પડ્યા હતા, જ્યારે પાછલાં ચાર વર્ષોમાં વેપાર-વ્સવસાયની છેતરપિંડીના આશરે 12,259 કેસો પણ સામે આવ્યા છે.