નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું છે કે વર્ષ 2024નું કેન્દ્રીય બજેટ આવતા વર્ષની 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે. એમાં કોઈ આકર્ષક જાહેરાતો કરવામાં નહીં આવે, કારણ કે આવતા વર્ષે જ લોકસભાની ચૂંટણી નિર્ધારિત છે તેથી 1 ફેબ્રુઆરીએ માત્ર વોટ-ઓન-એકાઉન્ટ જ હશે. લોકસભાની ચૂંટણી બાદ નવી સરકાર રચાય ત્યાં સુધી વર્તમાન સરકારના ખર્ચને પહોંચી વળવા પૂરતી જાહેરાતો જ 1 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.
સીતારામને CII ગ્લોબલ ઈકોનોમિક પોલિસી ફોરમ ખાતે બોલતાં કહ્યું હતું કે આપણો દેશ આવતા વર્ષે ઉનાળાની મોસમ દરમિયાન યોજાનાર લોકસભાની ચૂંટણી માટે સુસજ્જ થશે. તેથી બ્રિટિશ પરંપરાનું અનુસરણ કરીને સરકાર આવતી 1 ફેબ્રુઆરીએ રજૂ કરનાર બજેટ વોટ ઓન એકાઉન્ટ તરીકે ઓળખાશે. એમાં કોઈ આકર્ષક જાહેરાતો કરવામાં નહીં આવે. તેથી જનતાએ લોકસભાની ચૂંટણી બાદ નવી સરકાર રચાય ત્યાં સુધી રાહ જોવી પડશે. નવી સરકાર જ જુલાઈ-2024માં દેશનું નવું સંપૂર્ણ બજેટ રજૂ કરશે.