પેટ્રોલમાં મિક્સ કરવા ઈથેનોલના ઉત્પાદનમાં શેરડીના રસના ઉપયોગ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ સાકરના કારખાના માલિકો અને ઈન્વેસ્ટરોને ધક્કો લાગે એવા સમાચાર છે. કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે કે પેટ્રોલમાં મિક્સ કરવા માટે ઈથેનોલનું ઉત્પાદન કરવા માટે શેરડીનો રસ કે શુગર સિરપનો ઉપયોગ કરવો નહીં. સરકારે કહ્યું છે કે આ ઓર્ડર તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

દેશમાં સાકરના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે આ જાહેરાત કરી છે. દેશમાં મુખ્ય સાકર ઉત્પાદક રાજ્યો – કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ચોમાસામાં ઓછો વરસાદ પડતાથી સાકરનું ઉત્પાદન ઓછું થયું છે. તેથી સરકારે દેશમાં સાકરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય જાહેર કર્યો છે.

કેન્દ્રના ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય તરફથી દેશની તમામ સાકર મિલો અને ડિસ્ટીલરીઝના મેનેજિંગ ડાઈરેક્ટરો અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસરોને મોકલવામાં આવેલા પત્રમાં સરકારે જણાવ્યું છે કે સાકરના કારખાનાઓ પેટ્રોલમાં મિશ્રણ કરવા માટે આવશ્યક્તા પૂરી કરવા માટે બી-હેવી મોલાસીસમાંથી ઈથેનોલનું ઉત્પાદન ચાલુ રાખી શકે છે.