દર શનિવારે પણ રજા: શું બેન્કકર્મીઓની માગણીનો સરકાર સ્વીકાર કરશે?

મુંબઈઃ જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓને કામકાજ માટે પાંચ-દિવસના અઠવાડિયાનો નિયમ જોઈએ છે. એમને દર રવિવાર ઉપરાંત દર શનિવારે પણ સત્તાવાર રજા જોઈએ છે. કેન્દ્રના રાજ્યકક્ષાના નાણાં પ્રધાન ભાગવત કરાડે કહ્યું છે કે ઈન્ડિયન બેન્ક્સ એસોસિએશને સરકારને પ્રસ્તાવ આપ્યો છે જેમાં જણાવાયું છે કે જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓ માટે પાંચ-દિવસના કામકાજના સપ્તાહનો નિયમ લાગુ કરવામાં આવે. 2015ની સાલથી દેશમાં જાહેર ક્ષેત્રની બેન્કો દર મહિને રવિવાર ઉપરાંત દર બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. હવે એમણે પાંચ-દિવસના વર્ક વીકની માગણીને અમલમાં મૂકવાનો આગ્રહ કર્યો છે.

સરકારી બેન્કોના કર્મચારીઓએ ડિસેમ્બરના મધ્ય ભાગથી એમના પગારમાં 15-20 ટકાનો વધારો કરવાની અને પાંચ-દિવસનું વર્ક વીક લાગુ કરવાની માગણી રજૂ કરી છે. બેન્કોના યૂનિયનો અને એસોસિએશનો તથા આઈબીએ વચ્ચે આ મુદ્દે એક સમજૂતી કરવામાં આવી છે. આઈબીએ દેશની જાહેર તેમજ ખાનગી ક્ષેત્રની બેન્કો, સહકારી બેન્કો, પ્રાદેશિક ગ્રામિણ બેન્કો, ભારતમાં પ્રવૃત્ત વિદેશી બેન્કો અને દેશની તમામ નાણાં સંસ્થાઓનાં કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે.