આઇસી15 ઇન્ડેક્સમાં પાંચ ટકાનો ઉછાળો

મુંબઈઃ બ્લેકરોકે બિટકોઇનનો એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)નો ઇસ્યૂ લાવવા માટે અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી)માં ફાઇલિંગ કર્યું એને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં જોરદાર વૃદ્ધિ થઈ છે. બુધવારે 1,867 પોઇન્ટ વધેલા બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના તમામ ઘટક કોઇનમાં વધારો નોંધાયો હતો. એમાંથી લાઇટકોઇન, બિટકોઇન, અવાલાંશ અને કાર્ડાનો 7થી 10 ટકા સાથે મુખ્ય વધેલા કોઇન હતા.

દરમિયાન, અમેરિકાની પાંચ કાયદાપાલન એજન્સીઓએ ડાર્કનેટ માર્કેટપ્લેસ એન્ડ ડિજિટલ કરન્સી ક્રાઇમ ટાસ્ક ફોર્સ નામની નવી સંસ્થા રચી છે. એનો ઉદ્દેશ્ય ડાર્કનેટ અને ડિજિટલ કરન્સીને લગતા ગુનાઓ ખાળવાનો છે. બીજી બાજુ, યુનિવર્સિટી ઓફ નિકોસિયાએ મેટાવર્સને લગતું શિક્ષણ આપવા માટે વિશ્વનો પહેલો માસ્ટર્સ ઓફ સાયન્સ ઇન મેટાવર્સ નામનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 5.02 ટકા (1,867 પોઇન્ટ) વધીને 39,046 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,179 ખૂલીને 39,176ની ઉપલી અને 37,063 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.