એર ઇન્ડિયા એક્સપ્રેસનું કર્મચારીઓને અલ્ટિમેટમ, 30ને કાઢી મૂક્યા

નવી દિલ્હીઃ કર્મચારીઓના બળવાની વચ્ચે એર ઇન્ડિયા એક્સપ્રેસે કેબિન ક્રૂના 30 સભ્યોને કાઢી મૂક્યા છે. કંપનીએ આ પગલાં લેવામાં નિયમોનો હવાલો આપ્યો હતો. જે કર્મચારીઓને કંપનીએ કર્મચારીઓને કાઢી મૂક્યા છે, એમાં સિક લીવ પર ગયેલા કર્મચારીઓ જ સામેલ છે. એ સાથે કંપનીએ બાકીના સિક લીવ પર ગયેલા કર્મચારીઓને ગુરુવારે સાંજે ચાર કલાકે નોકરી પર પરત ફરવાનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. આવું ના કરવાવાળા કર્મચારીઓની વિરુદ્ધ કંપની પગલાં લેવાની તૈયારીમાં છે.

આ કંપનીના કર્મચારીઓના બળવાને કારણે પેસેન્જરોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરુવારે પણ એર ઇન્ડિયા એક્સપ્રેસની 80 ટકાથી વધુ ફ્લાઇટ્સ અથવા તો રદ થઈ છે અથવા મોડી ચાલી રહી છે. આને કારણે યાત્રીઓએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જે ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે, એમાં ચેન્નઈથી કોલકાતા, ચેન્નઈથી સિંગાપોર અને ત્રિચીથી સિંગાપોરની ફ્લાઇટ સામેલ છે, જ્યારે લખનૌથી બેંગલુરુની ફ્લાઇટ મોડી ચાલી રહી છે.

આ પહેલાં એર ઇન્ડિયાના 300 સિનિયર કર્મચારીઓ બુધવારથી એકસાથે સિક લીવ પર ચાલ્યા જતાં એર ઇન્ડિયા એક્સપ્રેસની 82 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી 78 ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. 300 સિનિયર કેબિન ક્રૂ સભ્યોએ છેલ્લી ઘડીએ બીમાર હોવાની સૂચના આપ્યા પછી પોતાના મોબાઇલ ફોન ફરી દીધા હતા.

ટાટા ગ્રુપની માલિકીની એરલાઇનમાં કથિત ગેરવહીવટના વિરોધમાં ઘણા ક્રૂ સભ્યો સિક લીવ પર ઊતરી ગયા છે. સોમવારે સાંજથી ઘણા ક્રૂ સભ્યોએ સિક લીવની સૂચના આપવાની શરૂઆત કરી હતી અને ક્રૂ મેમ્બર્સની અપૂરતી સંખ્યાને કારણે કોચિ, કાલિકટ અને બેંગલુરુ સહિત અનેક એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, એમ સૂત્રોએ કહ્યું હતું.