સાયન્સ સિટીમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

અમદાવાદઃ વિશ્વભરમાં દર વર્ષે ૨૧ જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’ની થીમ પર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્ષ 2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂનને દિવસે ‘યોગ દિવસ’ની ઉજવણી કરવા પ્રસ્તાવ મૂક્યો હતો. જેનો સ્વીકાર કરીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘યોગ દિવસ’ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ 2015થી દર 21 જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઊજવવામાં આવે છે. ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસે’ ઠેર-ઠેર લોકો યોગાસનો કરતા હોય છે. જેમાં નાનાં બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો પણ જોડાય છે. ત્યારે ગુજરાત સાયન્સ સિટીમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત યોગ બોર્ડ અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સહભાગી થવા માટે શહેરના દરેક નાગરિકોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. ગુજરાત યોગ બોર્ડના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે છથી 7:30 વાગ્યા સુધી સહભાગીઓએ વિવિધ પ્રકારનાં યોગાસનો કર્યાં હતાં અને શરીર તથા મનની હળવાશનો અનુભવ કર્યો હતો. આ કાર્યક્રમમાં આશરે 500 જેટલા સહભાગીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ અંતર્ગત ગુજરાત સાયન્સ સિટીમાં પાંચ જૂનથી 20 જૂન સુધી યોગ તાલીમ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોગ નિષ્ણાતો દ્વારા લોકોને અલગ-અલગ પ્રકારનાં યોગાસનો કરવાની રીતો અને તે કરવાથી સ્વાસ્થ્યમાં થતા ફાયદા વિશે લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.