આઇસી15 ઇન્ડેક્સ 351 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બીજા દિવસે પણ વૃદ્ધિનું વાતાવરણ રહ્યું હતું. યુરોપિયન સેન્ટ્રલ બેન્કે વ્યાજદરમાં વધારાનું ચક્ર હવે પૂરું થયું હોવાનો સંકેત આપ્યો એને પગલે બજારમાં માનસ સુધર્યું છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.03 ટકા (351 પોઇન્ટ) વધીને 34,428 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,077 ખૂલીને 34,672ની ઉપલી અને 34,014 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન સુધર્યા હતા, જેમાંથી ટ્રોન, એક્સઆરપી, સોલાના અને શિબા ઇનુ 1થી 4 ટકાની રેન્જમાં વધ્યા હતા.

દરમિયાન, ભારતીય રિઝર્વ બેન્કના એક અધિકારીએ જણાવ્યું છે કે રિટેલ સીબીડીસી (સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી)ની ચકાસણીમાં ડિજિટલ રૂપીના વ્યવહારોનું પ્રમાણ આશરે 15,000 થઈ ગયું છે. હવે એનું પ્રમાણ વધારીને 10 લાખ કરવાનું છે.

એક અહેવાલ મુજબ હોંગકોંગ ક્રીપ્ટોકરન્સી માટેની સજ્જતા ધરાવતાં રાષ્ટ્રોની યાદીમાં મોખરે રહ્યું છે. દેશમાં ક્રીપ્ટોને અનુકૂળ વાતાવરણ રચવામાં આવ્યું હોવાથી એનું સ્થાન ટકી રહ્યું છે.

બીજી બાજુ, જર્મનીની ડોઈશ બેન્કે ક્રીપ્ટો કસ્ટડી અને ટોકનાઇઝેશન સેવાઓ પૂરી પાડવા માટે સ્વિટઝરલેન્ડની ક્રીપ્ટોકરન્સી કંપની ટોરસ સાથે સહકાર સાધ્યો છે.