તમામ અનાજનું પેકિંગ શણમાં જ કરવાનું સરકારે ફરજિયાત બનાવ્યું

મુંબઈ – કેન્દ્ર સરકારે તમામ પ્રકારના અનાજ માટે શણ (jute)ના પેકિંગને ફરજિયાત બનાવી દીધું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

કમિટીએ અનાજના પેકિંગમાં 100 ટકા અને ખાંડના પેકિંગમાં 20 ટકા શણ વાપરવાનો નિયમ સરકારે ઘડ્યો છે. આ પેકિંગ જુદા જુદા પ્રકારની શણની થેલીઓમાં કરવાનું રહેશે.

અત્યાર સુધી, જ્યુટ પેકેજિંગ મટિરિયલ્સ ઍક્ટ, 1987 અન્વયે 90 ટકા અનાજ શણની ગૂણીઓમાં પેક કરવું ફરજિયાત હતું અને ખાંડની પ્રાપ્તિ માટે 20 ટકાની જોગવાઈ હતી.

સરકારના આ નિર્ણયથી જ્યુટ સેક્ટરનો વિકાસ વધારવામાં મદદરૂપ થશે. તદુપરાંત કાચા જ્યુટની ગુણવત્તા તથા ઉત્પાદનક્ષમતા વધશે, જ્યુટ સેક્ટરમાં વિવિધતા આવશે અને જ્યુટ ઉત્પાદનોની માગ વધશે.

આશરે 3.7 લાખ કામદારો તથા અનેક લાખો ખેતપરિવારોનો જીવનનિર્વાહ જ્યુટ ક્ષેત્ર પર નભે છે.

જ્યુટ ઉદ્યોગ મોટે ભાગે સરકારી સેક્ટર પર આધારિત છે. સરકાર દર વર્ષે અનાજના પેકિંગ માટે રૂ. 65 અબજથી પણ વધુની કિંમતની શણની ગૂણીઓની ખરીદી કરે છે.

સરકારના નિર્ણયથી પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, આસામ, આંધ્ર પ્રદેશ, મેઘાલય અને ત્રિપુરાના ખેડૂતો અને કામદારોને ફાયદો થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]