નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા સાથે એક ઈ-કોમર્સ વેબસાઈટ OLX પર ઠગાઈ કરવામાં આવી છે. હર્ષિતા કેજરીવાલે એક સોફા અને કમ્પ્યુટર ઓનલાઈન વેચવા માટે મૂક્યો હતો. એક વ્યક્તિએ ઈ-કોમર્સ વેબસાઈટ પર એનો સંપર્ક કર્યો હતો, પણ ચીજ ખરીદીને પૈસા ચૂકવવાને બદલે હર્ષિતા સાથે રૂ. 34,000ની ઠગાઈ કરી હતી. આ સંબંધમાં ફરિયાદ નોંધાવાયા બાદ પોલીસે ભારતીય ફોજદારી કાયદા (આઈપીસી)ની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, સોફા ખરીદવા માટે એક માણસે હર્ષિતાનો સંપર્ક કર્યો હતો. હર્ષિતાના બેન્ક એકાઉન્ટની વિગત સાચી છે કે નહીં એ ચકાસવા માટે એ માણસે પહેલા એનાં એકાઉન્ટમાં અમુક મામુલી રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ એ માણસે હર્ષિતાને એક QR કોડ મોકલ્યો હતો અને કહ્યું હતું કે એને સ્કેન કરે જેથી પોતે એનાં એકાઉન્ટમાં સોદા અંતર્ગત નક્કી થયેલી રકમ ટ્રાન્સફર કરી શકે. પરંતુ, જ્યારે હર્ષિતાએ ખરીદનારની સૂચના અનુસાર કર્યું ત્યારે એનાં એકાઉન્ટમાંથી રૂ. 20,000 કપાઈ ગયાં હતાં. હર્ષિતાએ પૂછપરછ કરી તો એ માણસે એવો દાવો કર્યો હતો કે એણે ભૂલમાં ખોટો QR કોડ આપ્યો હતો અને ત્યારબાદ એણે તેને બીજો કોડ મોકલ્યો હતો અને એ જ પ્રક્રિયાનું પાલન કરવા કહ્યું હતું. પરંતુ, હર્ષિતાએ જ્યારે તે QR કોડ સ્કેન કર્યો ત્યારે એનાં એકાઉન્ટમાંથી બીજા રૂ. 14,000 કપાઈ ગયા હતા.