બેંગલુરુઃ ભારતીય ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે કહ્યું છે કે છેલ્લા ત્રણ મહિનામાં ગ્રાહકોને એમણે ઓર્ડર કરેલા ઉત્પાદનોની ડિલીવરી ઝડપી બનાવવા માટે પોતાની સપ્લાય ચેનને બળ પૂરું પાડવા માટે તેણે દેશભરમાં ડિલીવરી એક્ઝિક્યૂટિવ્સ સહિત 23,000 જેટલા વધારે લોકોને કામ પર રાખ્યા છે. આમ કરીને તેણે અતિરિક્ત નોકરીઓનું નિર્માણ કર્યું છે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે જેટલા નવા લોકોને નોકરીએ રાખવામાં આવ્યા છે એ તમામને અમારી હેલ્થકેર અને વેલનેસ યોજનાઓ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે જેથી આ કપરા સંજોગોમાં એમની સલામતી જળવાઈ રહે. દેશમાં લોકોએ રોગચાળાનો સામનો કરવા માટે હજી પણ ઘરમાં જ રહેવાનું ચાલુ રાખ્યું હોવાથી ઈ-કોમર્સ સેવાઓની માગ સતત ખૂબ વધી રહી હોવાને ધ્યાનમાં લઈને અમે વધુ ને વધુ લોકોને રોજગાર આપ્યા છે.