સોના પરના હોલમાર્કિંગની સમયમર્યાદા 15-જૂન સુધી વધારાઈ

નવી દિલ્હીઃ કેન્દ્રએ સોમવારે કોવિડ-19ના રોગચાળાને ધ્યાનમાં રાખતાં સોનાનાં આભૂષણો અને કલાકૃતિઓની ફરજિયાત હોલમાર્કિંગની સમયમર્યાદા એક પખવાડિયું વધારીને 15 જૂન કરી દીધી છે. ગ્રાહકોના મામલાઓના પ્રધાન પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ સંબંધમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલાં એ એક જૂન, 2021થી લાગુ થવાની અપેક્ષા હતી.

સરકારે 15 જૂનથી આભૂષણો વેચવા માટેની નવી વ્યવસ્થા માટે એક સમિતિ બનાવી હતી. એ સમિતિ હોલમાર્કિંગથી જોડાયેલા મામલાઓનું સમાધાન કરશે. આ સમિતિના ડિરેક્ટર પ્રમોદ તિવારી (BIS) ડીજી હશે. વધારાના સચિવ, ગ્રાહકોના મામલા વિભાગના નિધિ ખરે અને જ્વેલર્સ એસોસિયેશન, ટ્રેડ હોલમાર્કિંગ બોડી વગેરેના પ્રતિનિધિઓ સમિતિની રચના કરશે.

સરકારે કહ્યું હતું કે ગ્રાહકોને વધુ વિલંબ કર્યા વિના વહેલી તકે દેશભરમાં હોલમાર્ક પ્રમાણિત કરેલું સોનું મળવું જોઈએ. વળી, સોનાના આભૂષણોમાં ભારતમાં વિશ્વના સૌથી શ્રેષ્ઠ ધારાધોરણો હોવા જરૂરી છે, એમ પીયૂષ ગોયલે કહ્યું હતું. આ પહેલાં સરકાર દ્વારા 15 જાન્યુઆરી, 2020એ સોનાનાં આભૂષણો, કલાકૃતિઓ માટે ફરજિયાત હોલમાર્કિંગ માટે ગુણવત્તાનાં નિયંત્રણો જારી કરવામાં આવ્યાં હતાં, પરંતુ હોલમાર્ક વગરનાં આભૂષણોના જૂના સ્ટોકને હટાવવા માટે ઝવેરીઓએ રોગચાળાને ધ્યાનમાં રાખીને વધુ સમય માગતાં છેલ્લી તારીખ 1 જૂન, 2021 સુધી વધારવામાં આવી હતી.

દેશમાં હોલમાર્કિંગ સોનાનાં આભૂષણો અને કલાકૃતિઓમાં વિશ્વસનીયતા અને ગ્રાહકોનો સંતોષ વધારવા માટે ખૂબ જરૂરી છે, એમ ગોયલે કહ્યું હતું. 15 જૂનથી ઝવેરીઓઅ ફક્ત 14, 18, 22 કેરેટના સોનાના દાગીના વેચવાની મંજૂરી આપવામાં આવશે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]