ચેન્નઈ-કોલકાતા હાઇવે પર હત્યાઓ માટે 12-જણને મૃત્યુદંડ

વિજયવાડાઃ આંધ્ર પ્રદેશના ઓંગોલમાં સેશન્સ કોર્ટે એકસાથે કેટલાય લોકોને મોતની સજા સંભળાવી હતી. કોર્ટે સોમવારે ગેન્ગસ્ટર મોહમ્મદ અબ્દુલ સમદ ઉર્ફે મુન્નાભાઈ અને તેના 11 સાથીઓને મૃત્યુદંડની સજા સંભળાવી છે. આ 12 જણની ગેન્ગે વર્ષ 2008માં ચેન્નઈ-કોલકાતા હાઇવે પર છ લોકોની હત્યા કરી દીધી હતી.આ ગેન્ગના અન્ય ચાર લોકોને 10-10 વર્ષની જેલની સજા આપવામાં આવી હતી, જ્યારે બે જણને સાત વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.

આ ગેન્ગની સામે 11 હત્યાના કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાંથી ચારને પુરાવાને અભાવે કાઢી મૂકવામાં આવ્યા હતા. અન્ય ત્રણ કેસ વિવિધ તબક્કે ટ્રાયલમાં ચાલી રહ્યા છે. બધા મૃતકો ટ્રક-ડ્રાઇવર અને ક્લીનર હતા. આ ગેન્ગે તેમને રોક્યા, લૂંટ્યા અને પછી મારી નાખ્યા હતા. આ ગેન્ગના સભ્યો પોલીસનો ડ્રેસ પહેરીને ઊભા રહેતા હતા. એ પછી ટ્રક અને ટ્રકનો માલસામાન ભંગારના વેપારીઓને વેચી મારવામાં આવતો હતો.

મુખ્ય આરોપી અબ્દુલ સમદ પોલીસ અધિકારી બનીને ટ્રક અટકાવતો હતો. એ પછી ગેંગના સભ્ય ટ્રક ડ્રાઇવર અને ક્લીનર પર હુમલો કરીને તેમને મારી નાખતા અને સૂમસામ વિસ્તારોમાં તેમને દફન કરી દેતા. ગેન્ગના સભ્યો મૃતદેહોને અલગ-અલગ જગ્યાએ દફનાવી દેતા.

પોલીસે તપાસ દરમ્યાન મૃતદેહોને જમીનમાંથી બહાર કાઢ્યા. પોલીસે જણાવ્યું હતું કે 13 ટ્રકચાલકો અને ક્લીનરને મારી નાખ્યા અને ગેન્ગની સામે 22 કેસો નોંધવામાં આવ્યા. વર્ષ 2008માં એક ટ્રકચાલક વીરપ્પન મુપ્પુ સ્વામીની ફરિયાદને આધારે પ્રકાશમ જિલ્લાના તત્કાલીન પોલીસ કમિશનર વી. વિનયચંદે સિલસિલાબંધ હત્યાઓની તપાસ માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે અને વ્યક્તિગત રૂપે તપાસની નિગરાની કરી હતી.