બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ત્રણ લાખ કરોડ ડોલરની સર્વોચ્ચ સપાટીએ

મુંબઈઃ બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓનું કુલ  માર્કેટ કેપિટલાઈઝેશને પ્રથમ વાર 3 લાખ કરોડ યુએસ ડોલરની સપાટી વટાવી ગયું છે, બીએસઈની લાબી સફરમાં આ સિદ્ધિ સીમાચિહ્નરૂપ છે, એમ બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું.

આ અંગેના એક ટ્વીટમાં ચૌહાણે બીએસઈમાં રજિસ્ટર્ડ 6.9 કરોડથી અધિક રોકાણકારો, 1400થી અધિક બ્રોકરો, આશરે 69000 મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સ અને 4700થી અધિક લિસ્ટેડ કંપનીઓને આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા હતા.

માર્ચ 2002માં 125 અબજ યુએસ ડોલર માર્કેટકેપિટલાઈઝેશન હતું,  જે 2005 સુધીમાં બમણાથી પણ વધુ વધીને 500 અબજ યુએસ ડોલર થયું હતું. 28 મે, 2007ના રોજ માર્કેટ કેપિટલાઈઝેશન એક લાખ કરોડ યુએસ ડોલરને સ્પર્શ્યું હતું ત્યાર બાદ 6 જૂન, 2014 એટલે કે 2566 દિવસ બાદ આ આંકડો 1.5 લાખ કરોડ યુએસ ડોલરને સ્પર્શ્યો હતો. તેના 1130 દિવસ (10 જુલાઈ 2017)ના રોજ માર્કેટ કેપિટલાઈઝેશન 2 લાખ કરોડ યુએસ ડોલરની ટોચને આંબ્યું હતું.

ગયા વર્ષે 16 ડિસેમ્બર 2020ના રોજ માર્કેટ કેપિટલાઈઝેશન 2.5 લાખ કરોડ યુએસ ડોલરની સપાટીએ પહોંચ્યું હતું ત્યાર બાદ ફક્ત 159 દિવસ એટલે કે 24 મે,2021ના રોજ માર્કેટ કેપિટલાઈઝેશન 3 લાખ કરોડ યુએસ ડોલર પહોંચ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]