નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહામારીને કારણે ભારતના મુલ્કી ઉડ્ડયન તથા એને આધારિત અન્ય ક્ષેત્રોમાં આશરે 29 લાખ જેટલી નોકરીઓમાં કાપ મૂકાય એવી સંભાવના છે, એવું એરલાઈન્સના જાગતિક સમૂહ IATAનું કહેવું છે.
ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ના તાજા અનુમાન મુજબ, કોરોના વાઈરસના ફેલાવાને કારણે એશિયા-પેસિફિક વિસ્તારના દેશોમાં પરિસ્થિતિ વકરશે.
ભારત વિશે IATAનું કહેવું છે કે રોગોચાળાને કારણે ભારતના મુલ્કી ઉડ્ડયન અને તેને આધારિત ઉદ્યોગોમાં 29,32,900 નોકરીઓને માઠી અસર પડી શકે છે. ભારતમાં એર પેસેન્જર ટ્રાફિક 47 ટકા ઘટી ગયો છે.
IATA સંસ્થાએ બીજી એ વાતની નોંધ લીધી છે કે ભારતીય એવિએશન માર્કેટમાં સક્રિય રહેતી એરલાઈન્સની આવક પણ ઘણી ઘટી શકે છે. આ આંકડો 11.221 અબજ ડોલર (રૂ. 85,000 કરોડથી વધુ) હોઈ શકે છે.
આ આંકડા 2020ના વર્ષ માટે છે.
IATAના છત્ર હેઠળ 290 જેટલી એરલાઈન્સ આવે છે, જેમાં ભારતની એર ઈન્ડિયા, વિસ્તારા, ઈન્ડીગો અને સ્પાઈસજેટનો પણ સમાવેશ થાય છે.
2019ના વર્ષની સરખામણીમાં 2020માં એશિયા-પેસિફીક વિસ્તારમાં સક્રિય એરલાઈન્સ 113 અબજ યુએસ ડોલરની ખોટ કરે એવી ધારણા છે, જે એક વિક્રમ બનશે.
IATAના રીજનલ વાઈસ-પ્રેસિડન્ટ (એશિયા-પેસિફીક) કોનરાડ ક્લિફોર્ડનું કહેવું છે કે પરિસ્થિતિ વધારે બગડી રહી છે. એરલાઈન્સ માટે અસ્તિત્વનો સવાલ ઊભો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં લિક્વિડીટીની કટોકટી 61 અબજ ડોલર સુધી વધી શકે છે.
ક્લિફોર્ડનું કહેવું છે કે ભારત, ઈન્ડોનેશિયા, જાપાન, મલેશિયા, ફિલિપીન્સ, દક્ષિણ કોરિયા, શ્રીલંકા અને થાઈલેન્ડે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
