દેશનો આર્થિક વૃદ્ધિદર ઘટીને 0.8 ટકા રહેશેઃ ફિચ

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2020-21માં દેશમાં આર્થિક વૃદ્ધિદર ઘટીને 0.8 ટકા રહેવાની સંભાવના છે. કોરોના વાઇરસના રોગચાળાને લીધે લાગુ કરવામાં આવેલા લોકડાઉન અને વૈશ્વિક આર્થિક મંદીને કારણે આવું કરવામાં આવ્યું છે, એમ ફિચ રેટિંગ્સે કહ્યું હતું. રેટિંગ્સ એજન્સીએ કહ્યું હતું કે એણે વૈશ્વિક આર્થિક અંદાજોમાં કહ્યું છે કે ભારતનો આર્થિક વિકાસદર એપ્રિલ, 2020થી માર્ચ, 2021 દરમ્યાન ઘટીને 0.8 ટકા થશે, જ્યારે પાછલા નાણાકીય વર્ષમાં એ 4.9 ટકા અંદાજવામાં આવ્યો હતો.

રેટિંગ એજન્સીએ કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2021-22માં આર્થિક વિકાસ દર 6.7 ટકા રહેવાની શક્યતા છે. જોકે ચાલુ નાણાકીય વર્ષમાં સતત બે ત્રિમાસિક ગાળા દરમ્યાન ગ્રોથ નકારાત્મક વૃદ્ધિ રહેશે. એપ્રિલથી જૂન ત્રિસમાસિક ગાળા માટે એ નકારાત્મક 0.2 ટકા અને જુલાઈથી સપ્ટેમ્બર, ત્રિમાસિક ગાળામાં એ નકારાત્મક 0.1 ટકા રહેવાની ધારણા છે. ફિચનું અનુમાન છે કે આગામી ત્રિમાસિકમાં દેશનો વૃદ્ધિદર 1.4 ટકા રહેશે. નાણાકીય વર્ષ 2021માં વૃદ્ધિદરમાં ઘટાડાનું મુક્ય કારણ ઉપભોક્તા ખર્ચમાં ઘટાડો થશે, જે 5.5 ટકાથી ઘટીને 0.3 ટકા રહી જશે.

રેટિંગ એજન્સીએ વૈશ્વિક જીડીપીના અંદાજોમાં પણ મોટો કાપ મૂક્યો છે. ફિચ રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી બ્રાયન કુલ્ટને કહ્યું હતું કે વિશ્વ જીડીપીના 2020માં 3.9 ટકા ઘટાડાનો અંદાજ છે, જેની અસર 2009ની મંદીને મુકાબલે બે ગણી રહેશે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]