નવી દિલ્હીઃ ભારતીય એડ ટેક કંપની બાયજુના નાદાર થવાથી દેશના સ્ટાર્ટઅપ સેક્ટરમાં હલચલ થવાની શક્યતા છે. જેનાથી હજારો કર્મચારો પૈસા પરત મેળવવા અને કેરિયરની સુરક્ષા માટે લાંબી લડાઈ લડવી પડે એવી શક્યતા છે. વર્ષ 2022માં 22 અબજ ડોલરના મૂલ્યની કંપની કોરોના રોગચાળા દરમ્યાન ઓનલાઇન કોર્સ માટે બહુ જાણીતી હતી. જોકે કંપની હવે અમેરિકી લેણદારોની સાથે એક અબજ ડોલરનાં બાકી લેણાંને લઈને વિવાદમાં ફસાયેલી છે.
કંપનીના કર્મચારીઓ, વિદ્યાર્થીઓના માતાપિતાની સાથે કરવામાં આવેલી વાતચીત અને વોટ્સએપ ચેટ્સની તપાસથી માલૂમ પડે છે કે કંપની વિરુદ્ધ લોકોમાં ગુસ્સો છે. કંપનીના બોર્ડને ભંગ કરી દેવામાં આવ્યું છે અને એની સંપત્તિઓ પણ ફ્રીઝ કરી દેવામાં આવી છે.
કંપનીના 27,000 કર્મચારીઓમાંથી કેટલાય હવે રસ્તાઓ પર પ્રદર્શન કરવા કે કાનૂની કાર્યવાહી કરવા પર વિચાર કરી રહ્યા છે. કોર્ટ દ્વારા નિયુક્ત અધિકારી પાસે આશરે 3000 કર્મચારીઓએ બાકી પગારના દાવા સાથે બેન્ક સ્ટેટમેન્ટ જમા કરાવ્યાં છે.
કંપની 2011માં શરૂ થઈ હતી અને હાલના મહિનાઓમાં મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે. કંપનીના બોર્ડના સભ્યોએ રાજીનામાં આપી દીધાં છે અને ઓડિટરે પણ રાજીનામું આપી દીધું છે. કંપનીના 280 કર્મચારીઓએ રાજ્યની એક ફરિયાદ પેનલથી સંપર્ક કર્યો છે. તેમણે બાકી વેતન પર કાર્યવાહીની માગ કરી છે અને કંપની પર આરોપ લગાવ્યો છે કે કંપનીએ તેમના વેતનમાંથી ટેક્સ કાપીને સરકારને ચુકવણી નથી કરી. કંપનીને BCCIથી વિવાદને કારણે પાછલા દિવસોમાં નાદારીના પડકારોનો સામનો કરવો પડ્યો હતો.