બજેટઃ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ 12 લાખ કરોડ રૂપિયાથી વધુ રહેવાની શક્યતા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર આગામી નાણાકીય વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 12 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરે એવી શક્યતા છે. આ ખર્ચ વાર્ષિક ધોરણે લગભગ 10 ટકા વધારે હશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના એક રિપોર્ટમાં આ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીએ યુનિયન બજેટ રજૂ કરશે, જેમાં તેઓ આગામી નાણાકીય વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કેટલો ખર્ચ કરવામાં આવશે તે અંગે માહિતી આપશે.

 ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાંબા ગાળાની વૃદ્ધિ પર સરકારનું ધ્યાન

SBIની રિપોર્ટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારના સતત વધતા ખર્ચ વિશે જણાવવામાં આવ્યું છે. આથી સ્પષ્ટ થાય છે કે સરકારનું ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનો અને લાંબા ગાળાની આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે FY27માં સરકારનો મૂડી ખર્ચ 12 લાખ કરોડ રૂપિયાથી વધુ રહી શકે છે, જે વાર્ષિક ધોરણે લગભગ 10 ટકા વધારો દર્શાવે છે.

છેલ્લા એક દાયકામાં સરકારનો મૂડી ખર્ચ વધ્યો

છેલ્લાં દસ વર્ષોમાં સરકારના મૂડી ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. FY16માં મૂડી ખર્ચ 2.5 લાખ કરોડ રૂપિયા હતો, જે FY26માં (બજેટ અંદાજ મુજબ) વધીને 11.2 લાખ કરોડ રૂપિયા થયો છે. કેપિટલ એસેટ્સની રચના માટે આપવામાં આવતી ગ્રાન્ટ્સમાં પણ વધારો થયો છે. FY16માં આ ગ્રાન્ટ્સ 1.3 લાખ કરોડ રૂપિયા હતી, જે FY26માં વધીને 4.3 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આથી સરકારના વિવિધ સ્તરે એસેટ ક્રિયેશન માટે વધુ સહાય મળતી હોવાના સંકેત મળે છે.

 CPSEsનો મૂડીખર્ચ 4.3 લાખ કરોડ રૂપિયા રહેવાની શક્યતા

સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ (CPSEs)નો મૂડીખર્ચ FY26માં આશરે 4.3 લાખ કરોડ રૂપિયા રહેવાની શક્યતા છે. તેમાં આંતરિક અને એક્સ્ટ્રા-બજેટરી સ્ત્રોતોનો સમાવેશ થાય છે. જો બજેટરી મૂડી ખર્ચ અને ગ્રાન્ટ્સને સાથે ગણવામાં આવે તો FY26માં કુલ મૂડી ખર્ચ 15.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે. FY26માં GDPમાં મૂડી ખર્ચનો હિસ્સો લગભગ 5.5 ટકા રહેશે.