બાંગ્લાદેશ: પાડોશી દેશમાં ટૂંક સમયમાં સેના સત્તા કબજે કરી શકે છે. સૈન્ય વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસને હટાવીને દેશનું નિયંત્રણ પોતાના હાથમાં લે તેવી શક્યતા દેખાય રહી છે. સ્થાનિક સૂત્રો અનુસાર વાકર-ઉઝ-ઝમાનના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશની સેનાએ સોમવારે એક કટોકટી બેઠક યોજી હતી. જેમાં આગામી દિવસોમાં સંભવિત મોટા ફેરફારનો સંકેત આપવામાં આવ્યો હતો. આ બેઠકમાં પાંચ લેફ્ટનન્ટ જનરલ, આઠ મેજર જનરલ, સ્વતંત્ર બ્રિગેડના કમાન્ડિંગ અધિકારીઓ અને સેના મુખ્યાલયના અધિકારીઓ સહિત ટોચના સૈન્ય અધિકારીઓએ હાજરી આપી હતી.
ગયા વર્ષે ઓગસ્ટમાં શેખ હસીનાની આગેવાની હેઠળના આવામી લીગ સરકારના પતન પછી મુહમ્મદ યુનુસે કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારથી, બાંગ્લાદેશી લોકોમાં સરકાર પ્રત્યે અવિશ્વાસ વધી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને, બેઠકમાં સ્થિરતા પુનઃસ્થાપિત કરવામાં સૈન્યની સંભવિત ભૂમિકાની આસપાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. તેવી માહિતી સ્થાનિક સમાચાર એજન્સીના સૂત્રોએ જણાવી. સૂત્રોએ સંકેત આપ્યો હતો કે સેના રાષ્ટ્રપતિ પર કટોકટીની સ્થિતિ જાહેર કરવા અથવા યુનુસ વિરુદ્ધ બળવો કરવા દબાણ કરી શકે છે. સેના તેની દેખરેખ હેઠળ રાષ્ટ્રીય એકતા સરકાર બનાવવાના વિકલ્પની પણ શોધ કરી રહી છે.
તાજેતરના મહિનાઓમાં, વિવિધ રાજકીય પક્ષો અને વિદ્યાર્થી નેતાઓએ સેના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. જેના કારણે સેનામાં ઘણા વર્ગો નારાજ થયા છે અને આ વિરોધીઓને કાબૂમાં લેવાની યોજના બનાવવા માટે તેને ઉશ્કેરવામાં આવ્યા છે. ચાલી રહેલા રાજકીય ઉથલ-પાથલ વચ્ચે, યુનુસ ટૂંક સમયમાં ચીનની મુલાકાત લેવાના છે. આ મુલાકાત, જે ચીન-બાંગ્લાદેશ સંબંધોમાં પરિવર્તન લાવી શકે છે, તેના પર ઢાકાના પડોશીઓ નજીકથી નજર રાખશે.
