ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈ ઈલેક્શન કમિશનની સમીક્ષા બેઠક

રાંચી: ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા ઇલેક્શન કમિસનની ટીમ બે દિવસના પ્રવાસે રાજ્યની રાજધાની રાંચી પહોંચી છે. અહીં ચૂંટણી પંચની ટીમ આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચની એક ટીમ સોમવારે ઝારખંડ પહોંચી હતી. એવું માનવામાં આવે છે કે આ પ્રવાસ બાદ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચની ટીમ રાજ્યના મુખ્ય પક્ષો અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરશે.મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની એક ટીમ રાજકીય પક્ષો, અમલીકરણ એજન્સીઓ અને સરકારી અધિકારીઓ સાથે બેઠકો કરશે. ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કે. રવિ કુમારે કહ્યું, “સોમવારે ચાર બેઠકો યોજાનાર છે. ચૂંટણી પંચ છ રાષ્ટ્રીય અને ત્રણ પ્રાદેશિક પક્ષો સહિત નવ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વરિષ્ઠ વહીવટી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરશે.”

ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કે. રવિ કુમારે જણાવ્યું હતું, “ટીમ મંગળવારે જિલ્લા ચૂંટણી અધિકારીઓ, પોલીસ અધિક્ષક, મહાનિરીક્ષક અને નાયબ મહાનિરીક્ષકને પણ મળશે. બેઠકો દરમિયાન ચૂંટણીની તૈયારીઓ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને ચૂંટણી સંબંધિત અન્ય બાબતોની સમીક્ષા કરવામાં આવશે.” ઝારખંડમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અગાઉ 2019માં 30 નવેમ્બરથી 20 ડિસેમ્બરની વચ્ચે 81 વિધાનસભા બેઠકો માટે પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી અને 23 ડિસેમ્બરે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.