અમદાવાદ: શહેરમાં BRTS દોડતી થઈ ત્યારથી AMTS બસના વળતા પાણી શરૂ થયા. પરંતુ દિવાળીના તહેવારો સમયે AMTS વિભાગને 80 લાખ રૂપિયાની આવક થઈ છે. 5 દિવસ દરમિયાન 20 લાખ મુસાફરોએ મુસાફરી કરી હોવાની માહિતી સામે આવી છે. સૌથી વધુ 4.51 લાખ મુસાફરો ધનતેરસના દિવસે નોંધાયા છે, તો ભાઈબીજના દિવસે 4.02 લાખ લોકોએ મુસાફરી કરી હતી. કોઈપણ તહેવારના સમયે AMTSને સારી આવક થતી હોય છે.બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટી સમક્ષ એક દરખાસ્ત મંજૂરી માટે મૂકવામાં આવી છે. જે મુજબ ચાલુ વર્ષનું પ્રોપર્ટી ટેકસ બિલ ભર્યાની ઝેરોક્ષ કોપી રજૂ કરીને સિનિયર સિટીઝન, દિવ્યાંગ કે મેન્ટલી ડિસેબલ વ્યકિત કે બાળકને ફ્રી બસ પાસ આપવામા આવે. જો કે આ દરખાસ્ત મંજૂર થાય છે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. AMTS દ્વારા એક મનપસંદ પ્રવાસ યોજના તો ચલાવવામાં આવે જ છે. જેમાં કોઈ પણ પ્રવાસી ૩૫ રૂપિયાની એક ટિકિટ ખરીદીને સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી AMTS દ્વારા ચલાવાતી કોઈ પણ સેવામાં ગમે તેટલી વખત મુસાફરી કરી શકે છે.