ગાંધીનગર: સુરતના સચિન પાલી ગામ ખાતે બનેલી ઇમારત ધરાશાયી દુર્ઘટનામાં ગરીબ અને શ્રમજીવી પરિવારના વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. થોડા વર્ષો પહેલાં જ નિર્માણ પામેલી 5 માળની બિલ્ડિંગ એકાએક ધરાશાયી થઈને તૂટી પડતાં બિલ્ડિંગમાં રહેતાં 7 નાગરિકોના મૃત્યુ થયા છે. મૃતકના પરિવારજનો કે ઘાયલ થનારને રાજ્ય સરકારે હજુ સુધી કોઈ સહાય ચૂકવવા અંગે જાહેરાત કરી નથી. વિપક્ષ નેતા દ્વારા સરકાર જાહેરાત કરે તેવી માગ સાથેનો પત્ર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને લખ્યો છે.વિપક્ષ નેતા અમિત ચાવડાએ પત્રમાં લખ્યું છે, “થોડા વર્ષ પહેલાં બનેલી બિલ્ડિંગ એકાએક ધરાશાયી થાય તે ચિંતાનો વિષય છે. આ બિલ્ડિંગના વપરાશ સહિતની જરૂરી પરવાનગીઓ કોના દ્વારા કઈ કક્ષાએથી અપાઈ તે તપાસ થવી જરૂરી છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સમયસર પગલાંઓ ના લેવાના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન અટકાવવાના કારણે બનતી દુર્ઘટનાઓમાં નિર્દોષ નાગરિકો જીવ ગુમાવે છે અને પરિવાર નોંધારા બની જાય છે. ઉપરોક્ત ઘટનામાં મૃત્યુ પામેલા નાગરિકોના પરિવાજનો અને ઈજાગ્રસ્તો ગરીબ અને મધ્યમ વર્ગના છે. ઘટનામાં મૃત્યુ પામેલા નાગરિકોના પરિવાજનોને અને ઈજાગ્રસ્તોને આર્થિક સહાય ચૂકવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે.”