રાજકોટ અગ્નિકાંડના પીડિત પરીવારોની CMને ન્યાયની અરજી

ગાંધીનગર: રાજકોટમાં બનેલ માનવ સર્જીત અગ્નિકાંડના પીડિતો આજે ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સાથેની મુલાકાતમાં પીડિત પરિવારોએ ન્યાય માટે રજૂઆત કરી છે. આ મુલાકાત દરમિયાન રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી ભાનુબેન બાબરિયા હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ પીડિત પરિવારજનોને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. જવાબદાર ધારાસભ્ય, કોર્પોરેટર સામે અને મંજૂરી આપનાર અધિકારી સામે પણ ગુનો નોંધવાની માગ પરિવારજનોએ કરી છે.

TRP ગેમ ઝોન અગ્નિકાંડને એક મહિના કરતા વધારે સમય વીતી ગયો છે. ત્યારે પીડિત પરિવારો પોતાના પ્રિયજનને ન્યાય મળવાની આશાએ બેઠા છે. આ અગાઉ 100 પાનાનો SITએ રિપોર્ટ હાઈકોર્ટને સુપરત કર્યો છે. જેમાં રાજકોટના ચાર સરકારી વિભાગોની સંડોવણી હોવાનું જણાવવામાં આવ્યું છે. આવા ગુનામાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવે તેવી માગ પીડિત પરિવારોએ કરી છે. આ અગ્નિકાંડમાં  27 લોકોના જીવ હોમાયા હતા. ઘટના બાદ સરકાર એક્શન મોડમાં આવી છે અને જવાબદાર લોકો સામે પગલા ભર્યાં છે. જો કે હજુ પણ મોટાં માથાઓને બચાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સરકાર સામે થઈ રહ્યા છે.