અદાણીની પ્રી-પ્લેસમેન્ટ સાથે વાર્ષિક 50 પેઇડ ઇન્ટર્નશિપની ઘોષણા

ધનબાદ: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ) ધનબાદના શતાબ્દી સમારોહની ઉજવણીમાં એક મજબૂત સંદેશ આપ્યો. તેમણે કહ્યું હતુ કે ભારતે બાહ્ય પ્રભાવોથી મુક્ત વિકાસ માટે પોતાનો માર્ગ સ્વયં બનાવવો જોઈએ અને સંસાધનોના સાર્વભૌમત્વ અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. 

વિદ્યાર્થીઓ, ફેકલ્ટીઝ અને મહાનુભાવોને સંબોધતાં તેમણે એ વાત પર ભાર મૂક્યો કે રાષ્ટ્ર માટે જે શ્રેષ્ઠ હોય તેને ધ્યાનમાં રાખીને જ આપણા નિર્ણયો લેવા જોઈએ. IIT-ISM ધનબાદમાં અદાણી ગ્રુપના ચેરમેને એ વાત પર ભાર મૂક્યો હતો કે કોઈ પણ રાષ્ટ્ર પોતાની માટીની શક્તિમાં નિપુણતા મેળવ્યા વિના નથી ઊભરી શકતું. 21મી સદીમાં સાચી સ્વતંત્રતા કુદરતી સંસાધનો અને ઉર્જા પ્રણાલીઓના નિયંત્રણ પર આધારિત છે.

તેમણે કહ્યું હતું કે બ્રિટિશ શાસન હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ખાણકામ અને ભૂસ્તરશાસ્ત્રમાં યુવાઓને પારંગત બનાવવાના વિઝન સાથે તેની સ્થાપના થઈ હતી. તેમણે આપણાં સંસાધનોમાં નિપુણતા અને આપણા ઉદયને બળ આપતી ઊર્જામાં નિપુણતાને આપણી આર્થિક સ્વતંત્રતાના બે સ્તંભો ગણાવ્યા હતા.

વૈશ્વિક ડેટાને ટાંકી નેરેટિવ કોલોનાઈઝેશન” કરતા દેશો સામે ચેતવણી ઉચ્ચારતાં તેમણે કહ્યું હતું કે અભૂતપૂર્વ ઉત્સર્જન ધરાવતા દેશો ભારત જેવા દેશો માટે વિકાસની પ્રાથમિકતાઓ નક્કી કરવાનો પ્રયાસ કરે છે. ભારતના ટકાઉપણાના પ્રદર્શનને ડાઉનગ્રેડ કરવાના પ્રયાસો વૈશ્વિક ESG ફ્રેમવર્કમાં પૂર્વગ્રહોને પ્રતિબિંબિત કરે છે. પ્રગતિ માટે ભારતે પોતાનાં ધોરણો જાતે નક્કી કરવાની હાકલ કરતાં તેમણે કહ્યું હતું કે જો આપણે આપણા નેરેટિવને નિયંત્રિત નહીં કરીએ તો આપણી આકાંક્ષાઓ ગેરકાયદે થઈ જશે.

ભારતની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતાં તેમણે ઉમેર્યું હતું કે આપણો દેશ વિશ્વના સૌથી ઓછા માથાદીઠ ઉત્સર્જકોમાંનો એક છે અને તે નિયત સમય પહેલાં 50 ટકા બિન-અશ્મિભૂત સ્થાપિત ક્ષમતાને વટાવી ગયો છે. તેમણે એવા વૈશ્વિક માળખાને પક્ષપાતી ગણાવી ટીકા કરી જે માથાદીઠ માપદંડો અને ઐતિહાસિક જવાબદારીને અવગણે છે. અદાણીએ ઓસ્ટ્રેલિયામાં કાર્માઇકલ ખાણને ભારતની ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવી અને ગુજરાતમાં 30 GW ખાવડા પાર્ક સહિત ગ્રુપના નવીનીકરણીય ઊર્જા રોકાણો પર પ્રકાશ પાડ્યો હતો.

શતાબ્દી ઉજવણી નિમિત્તે તેમણે IIT-ISM માટે બે મહત્વપૂર્ણ પહેલોની જાહેરાત કરી. એક, પ્રી-પ્લેસમેન્ટ ઓફર્સ સાથે વાર્ષિક 50 પેઇડ ઇન્ટર્નશિપ અને બીજી અદાણી 3S માઇનિંગ એક્સેલન્સ સેન્ટર (TEXMiN) જેમાં મેટાવર્સ લેબ્સ, ડ્રોન ફ્લિટ્સ અને ચોકસાઇ ખાણકામ સાધનો જેવી અદ્યતન તક્નિકો સામેલ છે.

નવી પેઢીને પ્રેરણા આપતાં તેમણે વિદ્યાર્થીઓને નિર્ભયતાથી સ્વપ્ન જોવા, અવિરતપણે કાર્ય કરવા અને ભારતની પ્રમુખ ક્ષમતાઓના રક્ષક બની આત્મવિશ્વાસપૂર્ણ અને આત્મનિર્ભર રાષ્ટ્રને આકાર આપવા હાકલ કરી હતી.