ઇસ્લામાબાદ: પાકિસ્તાની સેનાને નિશાન બનાવીને મોટો આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં લેફ્ટનન્ટ કર્નલ, મેજર સહિત 11 સૈનિકો માર્યા ગયા છે. આ ઘટના ખૈબર પખ્તૂનખ્વાના ઓરકઝઈ પ્રાંતમાં બની હતી. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન તાલિબાને લીધી છે. પાકિસ્તાન સેનાની મિડિયા શાખા ઈન્ટર-સર્વિસીઝ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ અભિયાન 7-8 ઓક્ટોબરની રાત્રે “ફિતના અલ-ખવારિજ” સાથે જોડાયેલા આતંકવાદીઓની સંભાવિત હાજરીને ધ્યાનમાં રાખીને, અફઘાનિસ્તાનની સરહદે આવેલ ઓરકઝઈ જિલ્લામાં હાથ ધરવામાં આવ્યું હતું. આ અથડામણ દરમિયાન પ્રતિબંધિત તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના 19 આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.
તપાસ અભિયાન ચાલુ
“ફિતના અલ-ખવારિજ” શબ્દનો ઉપયોગ પ્રતિબંધિત તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) આતંકવાદી જૂથ માટે થાય છે. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. આ નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે વિસ્તારમાં કોઈ પણ અન્ય આતંકવાદી છુપાયો ન હોય તે માટે તપાસ અભિયાન ચાલુ છે.
આંકડાઓ શું કહે છે?
સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ (CRSS) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર 2025માં હિંસાથી સંબંધિત કુલ મોતમાંના લગભગ 71 ટકા (638) અને હિંસાની 67 ટકા (221)થી વધુ ઘટનાઓ અહીં નોંધાઈ હતી. ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાન બંને અફઘાનિસ્તાન સાથે સરહદ શેર કરે છે.
TTP સંગઠન વિશે
TTPની જડ અફઘાનિસ્તાનના તાલિબાન આંદોલન સાથે જોડાયેલી છે, પરંતુ આ સંગઠન સ્વતંત્ર રીતે પાકિસ્તાનમાં સક્રિય રહ્યું છે. તેની સ્થાપના બૈતુલ્લાહ મહસૂદે કરી હતી, જે દક્ષિણ વઝીરિસ્તાનના પ્રભાવશાળી નેતા હતા. આ સંગઠન ઘણા નાનાં-મોટાં જૂથોનું ગઠબંધન છે. 2020 પછી TTPએ ઘણાં વિખરાયેલા જૂથોને ફરી એકસાથે લાવ્યા છે. આ સંગઠનના હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
