નેશનલ હેરાલ્ડ કેસમાં ઉપ મુખ્‍ય મંત્રી ડી. કે. શિવકુમારને નોટિસ

નવી દિલ્હીઃ દિલ્હીની પોલીસની આર્થિક ગુનાઓની શાખાએ નેશનલ હેરાલ્ડ કેસમાં કર્ણાટકના ઉપ મુખ્‍ય મંત્રી ડી.કે. શિવકુમારને નોટિસ જારી કરી છે. શિવકુમારને 19 ડિસેમ્બર સુધીમાં નાણાકીય તથા લેવડદેવડ સંબંધિત માહિતી અને દસ્તાવેજો જમા કરવા કહેવામાં આવ્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ મામલો ત્રીજી ઓક્ટોબરે નોંધાયો હતો, જેમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ આરોપ છે કે તેમણે યંગ ઇન્ડિયન મારફતે એસોસિયેટેડ જર્નલ્સને છેતરપિંડીથી હાંસલ કરવાનું કાવતરું રચી. આ FIR EDના હેડક્વાર્ટર તપાસ વિભાગની ફરિયાદ પર આધારિત છે.

ઉપમુખ્‍ય મંત્રીએ જે દસ્તાવેજો જમા કરવાની માગ કરવામાં આવી છે, તેમાં નાણાકીય વિગત, ઇન્કમ ટેક્સ રિટર્ન અને દાન સંબંધિત પ્રમાણપત્રો સામેલ છે. પોલીસે તેમનાં રાજકીય જોડાણો, કોંગ્રેસ સાથેના સંબંધો તથા તેમના અથવા તેમની સાથે જોડાયેલી સંસ્થાઓ દ્વારા યંગ ઇન્ડિયનને આપવામાં આવેલાં નાણાંનું વિગતવાર વર્ણન માગ્યું છે. તપાસકર્તાઓએ પણ તપાસ કરી રહ્યા છે કે નાણાં ટ્રાન્સફર કરવાનો હેતુ શો હતો, શું આ ટ્રાન્સફર કોઈ ત્રીજા પક્ષના આદેશ પર કરવામાં આવ્યા હતા અને એ નાણાંનો અંતિમ ઉપયોગ શું થયો તેની જાણકારી હતી કે નહીં.

નેશનલ હેરાલ્ડ કેસમાં સેમ પિત્રોડા, ગાંધી પરિવારમાંનાં નામ સામેલ

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો, તેમના છ અન્ય સહયોગીઓ અને વ્યાવસાયિક સંસ્થાઓ વિરુદ્ધ એસોસિયેટેડ જર્નલ્સને છેતરપિંડીથી હાંસલ કરવાની આરોપિત અપરાધિક કાવતરાના કેસમાં FIR નોંધવામાં આવી હતી. એ સમયે એસોસિયેટેડ જર્નલ્સ કોંગ્રેસની માલિકીની સંસ્થા હતી અને તેની સંપત્તિ લગભગ 2000 કરોડ રૂપિયા હતી.

આ હસ્તાંતરણ યંગ ઇન્ડિયન મારફતે કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધી પરિવારની 76 ટકા હિસ્સેદારી હતી.

દિલ્હી પોલીસની 3 ઓક્ટોબરની FIR EDનું મુખ્યાલય તપાસ એકમ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ પર આધારિત છે, જેમાં 2008થી 2024 સુધી ચાલેલી નેશનલ હેરાલ્ડ મની-લોન્ડરિંગ કેસની તપાસના વિગતવાર નિષ્કર્ષ રજૂ કરવામાં આવ્યા છે. સોનિયા અને રાહુલ ગાંધી ઉપરાંત, દિલ્હી પોલીસ દ્વારા નોંધાયેલી FIRમાં ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડા સહિત અન્ય ત્રણ વ્યકિતઓનાં નામ સામેલ છે.