મુંબઈવાસીઓને મળી વધુ બે મેટ્રો રેલવે લાઈન…

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઉત્તર મુંબઈનાં લોકો 8 વર્ષથી જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં તે મેટ્રો રેલવે સેવાની બે નવી લાઈન (એલિવેટેડ)નું 2 એપ્રિલ, શનિવારે ગુડી પડવાના શુભ દિવસે લોકાર્પણ કર્યું હતું. આ બે લાઈન છે 2A અને 7. બંને કોરિડોર પર આ પહેલા તબક્કામાં 20 કિ.મી.ની સેવા જનતા માટે શરૂ કરવામાં આવી છે. આ બે લાઈન પર દહાણુકરવાડી (કાંદિવલી વેસ્ટ) અને આરે કોલોની (ગોરેગાંવ ઈસ્ટ) વચ્ચેની ટ્રેનસેવાને જોડવામાં આવી છે. લાઈન-2A દહાણુકરવાડીથી દહિસર ઈસ્ટ સુધી છે જ્યારે દહિસર ઈસ્ટથી આરે કોલોની સુધી લાઈન-7 મળશે. લાઈન-2A દહાણુકરવાડીથી દહિસર ઈસ્ટ સુધી છે જ્યારે દહિસર ઈસ્ટથી આરે કોલોની સુધી લાઈન-7 મળશે.

ફૂલોથી શણગારેલી મેટ્રો ટ્રેન: ટ્રેનસેવાને લીલી ઝંડી બતાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ ટૂંકા અંતર સુધી નવી મેટ્રો ટ્રેનમાં સફર પણ કરી હતી. ઉદઘાટન પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર, પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરે, મુંબઈ શહેરના પાલકપ્રધાન અસલમ શેખ, મુંબઈનાં મેયર કિશોરીતાઈ પેડણેકર, મુંબઈ મેટ્રો રેલવે યોજનાઓની માલિક કંપની MMRDAના કમિશનર એસ.વી.આર. શ્રીનિવાસ, ટોચના અધિકારીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

શનિવાર રાતથી જ આ બંને લાઈન જાહેર જનતા માટે પણ ખુલ્લી મૂકી દેવામાં આવી હતી. દરરોજ આ બે મેટ્રો લાઈન સવારે 6 વાગ્યાથી રાતે 10 વાગ્ય સુધી જનતા માટે ઉપલબ્ધ રહેશે. લોકોને દર 11 મિનિટના અંતરે ટ્રેન ઉપલબ્ધ થશે. મુંબઈવાસીઓને સૌથી પહેલી મેટ્રો ટ્રેન (એલિવેટેડ) સેવા 2008માં ઉપલબ્ધ થઈ હતી – વર્સોવા (અંધેરી વેસ્ટ)થી ઘાટકોપર વચ્ચેની લાઈન-1 (મુંબઈ મેટ્રો). નવી બે મેટ્રો લાઈન શરૂ થવાથી શહેરમાં લોકલ ટ્રેન સેવા પર તેમજ રોડ ટ્રાફિક પરનું દબાણ ઘણે અંશે હળવું થશે.

નવી મેટ્રો ટ્રેનનાં મહિલા ડ્રાઈવર. ‘મેક ઈન ઈન્ડિયા’ ટ્રેનોને ડ્રાઈવરવિહોણી બનાવવામાં આવી છે, પરંતુ આ ટ્રેનોને મોટરમેનો ચલાવશે.

મેટ્રો ટ્રેનની અંદરનું ઈન્ટિરીયર

મેટ્રો સ્ટેશનની નીચે જ સાઈકલ સ્ટેન્ડ. ભાડેથી સાઈકલ લઈ જાવ અને પાછી મૂકી જાવ.

(તસવીરોઃ દીપક ધુરી)