કોંગ્રેસનું ચૂંટણી ઘોષણાપત્રઃ ‘ન્યાય’ દ્વારા ગરીબી પર પ્રહાર…

રાહુલ ગાંધીના પ્રમુખપદ હેઠળની કોંગ્રેસ પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી પૂર્વે તેનો ચૂંટણીઢંઢેરો 2 એપ્રિલ, મંગળવારે નવી દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલય ખાતે પત્રકારો સમક્ષ રિલીઝ કર્યો હતો. એ પ્રસંગે પાર્ટીનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ, પાર્ટીનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા તથા અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 'હમ નિભાએંગે' શિર્ષકવાળા આ ઘોષણાપત્રમાં અનેક વચનો આપવામાં આવ્યા છે અને તે પાંચ થીમ પર આધારિત છે. ખાસ વચન આ મુજબ છેઃ માર્ચ 2020 સુધીમાં 22 લાખ સરકારી નોકરીઓ ભરી દેવામાં આવશે, કિસાનો માટે અલગ બજેટ બનાવાશે, ગરીબી નાબૂદ કરવા માટે મિનિમમ ઈન્કમ ગારન્ટી અથવા ન્યૂનતમ આય યોજના (Nyay), GSTને વધારે સરળ બનાવાશે, લોન ન ચૂકવી શકનાર કિસાનો સામે ક્રિમિનલ કેસ નોંધવામાં નહીં આવે, પણ સિવિલ કેસ બનાવાશે, હેલ્થકેર ક્ષેત્રમાં સરકારી હોસ્પિટલોને સશક્ત કરાશે, જીડીપીના 6 ટકા જેટલો ખર્ચ શિક્ષણ ક્ષેત્ર (શિક્ષણ વ્યવસ્થા) માટે કરાશે, જેમને બિઝનેસ કરવો હોય એવા યુવાઓએ ત્રણ વર્ષ સુધી પરવાનગી લેવાની જરૂર નહીં પડે.