જાણોઃ કેવી રીતે થઇ રહ્યું છે માધ્યમોનું મોનિટરીંગ…..

અમદાવાદ- લોકસભા હોય કે વિધાનસભા ચૂંટણી આવતાની સાથે ઇલેક્શન કમિશન અને વહિવટી તંત્ર સંકળાયેલા તમામ સરકારી વિભાગો સક્રિય થઇ જાય છે. પહેલાની ચૂંટણીઓ કરતાં હાલની ચૂંટણીઓ યોજવાની પ્રક્રિયા તેમજ વ્યવસ્થામાં અનેક નવીનતા ઉમેરાઇ છે. કારણ કે પ્રચાર-પ્રસારના માધ્મમો વધ્યા છે. આ નવા યુગમાં પ્રિન્ટ અને  ઇલેક્ટ્રોનિક મિડીયાની સાથે સોશિયલ મિડીયા પણ ઉમેરાયું છે. અને ખૂબ જ સક્રિય થઇ ગયું છે.

રાજકીય પક્ષો તેમજ ઉમેદવારો કોઇપણ મિડીયાનો પોતાની જાહેરાત માટે દુરઉપયોગ ના કરે તેમજ આચરસહિંતાના ભંગ ના કરે એ માટે ચૂંટણી પંચે પણ  સતત સતર્ક રહેવું પડે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તમામ પ્રિન્ટ , ઇલેક્ટ્રોનિક્સ તેમજ સોશિયલ મિડીયાના મોનિટરીંગ  કરવા માટે કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા એક સેલની રચના કરવામાં આવી છે.

આ મોનિટરીંગ સેલમાં ચૂંટણી ની બાબતોના નિષ્ણાત અને ટ્રેઇન થયેલા લોકોને કામગીરી સોંપવામાં આવે છે. શિક્ષકો, આઇ.ટી.ના પ્રોફેસર્સ, માહિતી ખાતાના અધિકારીઓ એક વિશિષ્ટ તાલીમ સાથે મોનિટરીંગ સેલમાં 24 કલાક ત્રણ સિફ્ટમાં સતત કામ કરતા રહે છે. આઇ.ટીના પ્રોફેસર્સ નિષ્ણાતો,  ઉમેદવાર તેમજ પક્ષોના  વ્હોટ્સ એપ, ફેસબુક, ટ્વિટર, બ્લોગ્સ, યુટ્યુબ, વેબસાઇટ્સનું પણ સતત મોનિટરીંગ કરવામાં આવે છે. આ સાથે સમાચાર પત્રો, ઇલેક્ટ્રોનિક્સ મિડીયામાં કોઇ પેઇડ ન્યુઝ તો નથી આવતા…એ ખાસ ચેક કરવામાં આવે છે.

બીજી તરફ સમાજ ગેરમાર્ગે દોરાય, ભડકાઉ બાબતો તેમજ આચાર સંહિતાનો ભંગ થાય તો આ સેલમાં કામ કરતાં લોકો તુર્તજ ઉચ્ચ અધિકારીને જાણ કરે છે. ચૂંટણીમાં તમામ પ્રકારના મિડીયાની કામગીરીનું ધ્યાન રાખવા માટે સરકારના આ સેલ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ અને અધિકારીઓ સતત મોનિટરીંગ કરે છે.

દરેક જિલ્લા કલેક્ટર ઓફિસમાં અત્યારે આ સેલ કાર્યરત છે. એટલે ઉમેદવારો.. સાવધાન….! તમે ટી.વીમાં શું બોલો છો કે અખબારોના ઇન્ટરવ્યુમાં શું કહો છો…. એના પર ચૂંટણી પંચનું  આ સેલ બાજ નજર રાખી રહ્યું છે.

તસવીર-અહેવાલ: પ્રજ્ઞેશ વ્યાસ