ગુજરાત સરકાર, એમેઝોન ઈન્ડિયા વચ્ચે કરાર

ગુજરાત સરકારે રાજ્યમાંના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો (MSME) દુનિયાના 200થી વધારે દેશોમાં પોતાના ઉત્પાદનોની નિકાસ કરી શકે એ હેતુથી એમેઝોન ઈન્ડિયા સાથે કરાર કર્યો છે. રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે સમજૂતી (MoU) કરવામાં આવી છે. હસ્તાક્ષર પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, એમેઝોન ઈન્ડિયાના ગ્લોબર ટ્રેડ વિભાગના ડાયરેક્ટર અભિજીત કામરા ઉપસ્થિત રહ્યા હતા. આ કરાર અંતર્ગત ઈ-કોમર્સ નિકાસ માટેની ક્ષમતા વધારતી સવલતોનું નિર્માણ થવાથી રાજ્યના લાખો MSME ઉદ્યોગોનાં ‘મેડ ઈન ઈન્ડિયા’ અને ‘મેડ ઈન ગુજરાત’ ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારો તથા ગ્રાહકો સુધી સરળતાથી પહોંચાડી શકાશે.

આ સમજૂતી અંતર્ગત એમેઝોન કંપની અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, રાજકોટ તથા ગુજરાતના અન્ય શહેરોમાં MSME નિકાસકારો માટે તાલીમ સત્ર, વેબિનાર, વર્કશોપનું આયોજન કરશે.