રિચા ચઢ્ઢા-અલી ફઝલ છે હવે પતિ-પત્ની: લગ્નના રિસેપ્શનમાં અનેક ફિલ્મી સિતારાની હાજરી
બોલીવુડ કલાકારો – રિચા ચઢ્ઢા અને અલી ફઝલ લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં છે. બંનેએ દિલ્હીમાં લગ્નવિધિ સંપન્ન કર્યા બાદ મંગળવાર, 4 ઓક્ટોબરે મુંબઈમાં એમનાં લગ્નનું રિસેપ્શન રાખ્યું હતું જેમાં બોલીવુડનાં અનેક કલાકારોએ હાજરી આપી હતી.
રિચા અને અલી ફઝલ લગભગ અઢી વર્ષથી એકબીજાંનાં પ્રેમમાં હતાં અને આખરે હવે એમણે લગ્ન કરી લેવાનું પસંદ કર્યું. લગ્નસમારંભમાં બંનેનાં પરિવારજનો, નિકટનાં સગાંઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. રિચા અને અલીની પહેલી મુલાકાત 2012માં, ‘ફુકરે’ હિન્દી ફિલ્મનાં શૂટિંગ વખતે થઈ હતી. તે પછી તેઓ મિત્રો બન્યાં અને ધીમે ધીમે એકબીજાંનાં પ્રેમમાં પડ્યાં. 7 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં બાદ 2019માં અલીએ રિચાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. નવદંપતીએ ‘ફુકરે-3’ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે અને ટૂંક સમયમાં જ રૂપેરી પડદા પર સાથે જોવા મળશે.