અધર્મમાં જેટલો વધારે લાભ મળે તેટલી જ વધારે શિક્ષા પણ મળતી હોય છે

“કોઈ કર્મ ઘણું ફળ આપનારું ભલે હોય, પણ જો તેમાં ધર્મ ન હોય તો એનું આચરણ કરવું નહીં. ધર્મ હોય ત્યાં જ પુરુષાર્થ છે માટે કોઈ ફળના લોભે ધર્મનો ત્યાગ કરવો નહીં.” શિક્ષાપત્રીના શ્લોક 73નો આ ભાવાર્થ છે.

સ્વામીનારાયણ પંથની શિક્ષાપત્રીના આ શ્લોક પરથી મને હિન્દી ફિલ્મોની એક વાત યાદ આવે છે. ફિલ્મોમાં વિલન ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરતો જોવા મળે છે. તે સોનાની દાણચોરી, ડ્રગ્સનો ધંધો કે શસ્ત્રોનો વેપાર જેવી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરતો હોય છે. અજિત (મૂળ નામ હમીદ ખાન) નામે પ્રખ્યાત કલાકાર સોનાના દાણચોરની ભૂમિકા ભજવતો હતો. દેશના કાયદાનો ભંગ કરીને થતી કરચોરીનો આ પ્રકાર છે. ફિલ્મોમાં અલગ અલગ વિલનોએ કરેલી અલગ અલગ ગેરકાનૂની પ્રવૃત્તિઓ ધર્મરહિત અથવા તો અધર્મી પ્રવૃત્તિઓ હતી. છેવટે તેમને સજા મળતી. જ્યારે પણ કોઈ માણસ કર ટાળવા માટેનું પગલું ભરે છે ત્યારે તેનું કાર્ય વિલન જેવું હોય છે એમ કહી શકાય. તેનો અંત પણ વિલન જેવો જ આવતો હોય છે.

આપણે રાવણ વિશે પણ સાંભળ્યું છે કે એ શિવનો ભક્ત હતો. આમ છતાં તેણે આ જગતના નિયમોનો ભંગ કરીને સીતાના અપહરણની ગેરકાનૂની કે અધર્મી પ્રવૃત્તિ કરી. છેવટે એ એક પગલાએ તેનો વિનાશ સર્જ્યો. આ જ વાત બીજા અસુરોના કિસ્સામાં પણ જોવા મળી છે. આપણે અગાઉ આ કટારમાં ભગવદ્ ગીતાના શ્લોક ક્ર. 16.12 અને 16.13નો સંદર્ભ જોયો હતો. તેમાં પણ સંપત્તિ રળવા માટે કરાતી અસુરી પ્રવૃત્તિઓની વાત હતી.

શાસ્ત્રોના અને હિન્દી ફિલ્મોના ઉદાહરણ પરથી આપણે અધર્મી પ્રવૃત્તિઓનાં ઉદાહરણ જોયાં. હવે આપણી આસપાસ રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓમાં તેનું પ્રતિબિંબ જોઈએ. કોઈ બિઝનેસમેન સામાન વેચતી વખતે વજનમાં ગરબડ કરે કે હલકી ગુણવત્તાનો માલ આપે, કોઈ વ્યવસાયી ગ્રાહકને છેતરે, કોઈ વકીલ વધુ ફી કમાવા માટે કેસને લંબાવ્યે રાખે, કોઈ ડૉક્ટર સર્જરીની જરૂર ન હોવા છતાં તેની ભલામણ કરે, કોઈ માણસ દારૂ પર પ્રતિબંધ ધરાવતા વિસ્તારમાં એમ્બ્યુલન્સની મદદથી દારૂ ઘુસાડે, વગેરે સંખ્યાબંધ ગેરકાનૂની, અનૈતિક અને અધર્મી પ્રવૃત્તિઓ બનતી હોવાના દાખલા આપણી આસપાસ મોજૂદ છે.

આવી પ્રવૃત્તિઓ કરનારા લોકોની ગતિ પણ હિન્દી ફિલ્મોના વિલન જેવી જ થવાની. બહારથી આપણને એવા લોકોનું જીવન ઘણું સારું દેખાતું હોઈ શકે છે, પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી. તેમના પરિવારજનો કોઈ શારીરિક કે માનસિક સમસ્યાથી પિડાતા હશે, જેની બહારના માણસ તરીકે આપણને ખબર જ નહીં હોય.

બીજું, આપણે કુદરતનો ક્રમ સમજી લેવાની જરૂર છે. જ્યાં પણ આ પૃથ્વીના કે બ્રહ્માંડના નિયમો કે સિદ્ધાંતોનો ભંગ થાય છે ત્યાં તેનું પરિણામ ગંભીર જ આવતું હોય છે. કરચોરી દ્વારા દેશના કાયદાનો ભંગ કરીએ તો દંડ ભરવો પડે છે. આ જ રીતે જો આપણે બીજા અમુક કાયદા તોડીએ તો દંડની સાથે સાથે કેદ પણ થઈ શકે છે. વળી, ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરનારાઓ સમાજમાં કલંકિત થઈ જાય છે. જો આપણે કોઈ કાયદો તોડીએ નહીં અથવા તો કાયદાનું અચૂકપણે પાલન કરીએ તોપણ કોઈ વિશેષ પુરસ્કાર કે લાભ આપવામાં આવતો નથી, કારણકે એમ કરવામાં આપણે કોઈ મોટું કામ કરતા નથી. એવું તો કરવાનું જ હોય છે, એ જ તો ધર્મ છે.

જોકે, આપણે કુદરતના નિયમોનું પાલન કરીએ કે ધર્મનું કાર્ય કરીએ તો તેનો આપણને શિરપાવ મળે છે. દા.ત. જો આપણે વાસી ખોરાક ખાઈએ તો માંદા પડીએ છીએ, પણ જો આરોગ્યપૂર્ણ ખોરાક લઈએ તો શારીરિક અને માનસિક આરોગ્ય સારું રહે છે. આ જ રીતે, વનનો નાશ કરવાથી હવામાનમાં પલટો આવે છે અને ગ્લોબલ વૉર્મિંગ, દુષ્કાળ કે અતિવૃષ્ટિ જેવી આપદાઓ આવે છે. તેનાથી વિપરીત, જો વન્યસંપદા ટકાવી રાખીએ તો ઠંડી-ગરમી-વરસાદ યોગ્ય પ્રમાણમાં આવે છે. પરિણામે, ખોરાક-પાણીની દૃષ્ટિએ મનુષ્યને કોઈ તકલીફ પડતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો, કુદરતે આપેલો એ શિરપાવ કે આશીર્વાદ છે. ધર્મ દંડિત પણ કરે છે અને ધર્મ આશિષ પણ આપે છે.

ફરી એક વાર શિક્ષાપત્રીના શ્લોક ક્ર. 73 પર નજર કરીએ. ભલે ગમે તેટલો લાભ દેખાતો હોય, અધર્મ થાય એવી કોઈ પ્રવૃત્તિ નહીં કરવાનું તેમાં કહેવાયું છે. અધર્મમાં જેટલો વધારે લાભ મળે તેટલી જ વધારે શિક્ષા પણ મળતી હોય છે એ વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)