સૌરાષ્ટ્રભરમાં માવઠાનો માહોલઃ કેરી સહિત ઉનાળુ પાકને ભારે નુકસાન

અમદાવાદ: રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. જામનગર અને કચ્છમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગરના લાલપુર પંથકમાં ભારે વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાયાં હતા. હવામાન વિભાગે ફરી ચાર દિવસ કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. આ માવઠાને પગલે કેરી અને ઉનાળુ પાકને નુકસાન થયું છે. જૂનાગઢમાં પડેલા વરસાદને પગલે કેરીના 15,000 બોક્સ પલળી ગયા છે. જેથી વેપારીઓએ લાખો રૂપિયાના નુકસાન થયું છે, જેને પગલે વેપારીઓએ નુકસાનનો સર્વે કરી સરકાર પાસે નાણાકીય સહાયની માગ કરી છે.

અમદાવાદ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને રાજ્યના 36 તાલુકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ગોંડલમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. જકોટડા સાંગાણી, જામ કંડોરણામાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢ, કોડિનાર, માંગરોળમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. બીજી બાજુ, કમોસમી વરસાદ વધુ આક્રમક બનશે. સૌરાષ્ટ્રમાં ગાજવીજ, પવનની તીવ્રતા વધશે. સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તોફાની વરસાદની શક્યતા છે.

જૂનાગઢમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. જૂનાગઢ, વિસાવદર સહિતના વિસ્તારોમાં અડધોથી દોઢ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે.

રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેતપુર પંથકનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેતપુર, રબારિકા, જાંબુડી, મેવાસા, હરીપર, ઉમરાળી, પ્રેમગઢ સહિતના ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને કારણે તલ, મગ, અડદ, બાજરી, મગફળી, એરંડા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.  ગુજરાત સહિત 15 જેટલાં રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.