મુન્નારઃ કેરળનું રતન!

ઈડ્ડુકી જિલ્લામાં આવેલું આ ગિરિમથક એક નિરાંતવું પર્યટનસ્થળ છે. ઈચ્છા થાય તો નીકળી પડો આસપાસ ઘૂમવા. અન્યથા પહાડ પર જઈને કુદરતી નજારો, ખુશનુમા હવામાન માણ્યા કરો.

દિ મેં ઉદરના મના હૈ !

સામ્યવાદી વિચારધારા ધરાવતા રાજ્ય કેરળ પર્યટનસ્થળ પર હિંદી ભાષાનું ઑલમોસ્ટ ખૂન કરતું પાટિયું વાંચીને ગમ્મત થઈ, પણ જવા દઈએ. ઊંચેથી પડતો ધોધ, ધોધની આસપાસ સેલ્ફી લેતા પર્યટકો અને ચા-કૉફી, ચૉકલેટ્સની હાટડીઓ… દ્રશ્ય એકદમ પિક્ચર પરફેક્ટ હતું.કોચી ઍરપોર્ટથી નમતી બપોરે નીકળેલી અમારી કાર ઇડ્ડુકી જિલ્લામાં આવેલા ગિરિમથક મુન્નાર ભણી દોડી રહી હતી. ત્યાં વચ્ચે ચિયારાપાર નામની જગ્યા પાસે આવ્યો છે આ ધોધ. મે મહિનો હોવા છતાં ઝરમર વરસાદ વરસતો હતો. કારમાંથી અમે નીચે ઊતર્યા ધોધ માણવા. ત્યાં પેલું પાટિયું જોયું અને….

અને ધોધ પાસે ઊભા રહીને કડક કૉફી પીતાં પીતાં કંઇ વાત કરવાના આશય સાથે ડ્રાઈવરને સવાલ કર્યોઃ ‘મુન્નાર મીન્સ?’

તરત એણે જવાબ આપ્યોઃ ‘સાર, મુણ મીન્ઝ થ્રી યેન્ડ આર મીન્ઝા રિવર. દિસ ટાઉણ ઈજ સરાઉન્ટ વિથ થ્રી રિવર.’

મુથિરપુલા,નલ્લથણ્ણી અને કુંડલા એ ત્રણ નદીના સંગમ પર વસેલું મુન્નાર, મલયાલમમાઃ મુન્નુ આરુકલ.

કોચી ઍરપોર્ટથી મુન્નારનું અંતર આશરે 140 કિલોમીટર જ છે, પણ પર્વત કોતરીને બનાવેલા સર્પાકાર રસ્તા પર કાર સરેરાશ ત્રીસ-ચાલીસ કિલોમીટરની સ્પીડથી વધુ ફાસ્ટ દોડી શકતી નથી એટલે ચાર-સાડા ચાર કલાક લાગી જાય છે પહોંચતા. કારની વિન્ડોમાંથી બહાર નજર કરતાં ફિલ્મના પરદા પર દેખાય એમ કલાડી, પેરુંબવૂર, કોઠમંગલમ્ તથા અડિમલિ જેવાં નાનાં નાનાં નગર, મનોહારી બંગલા,ધોળા બાસ્તા જેવી સફેદ લુંગી, સફેદ શર્ટ પહેરીને રસ્તાની કિનારે અડિગો જમાવીને બેઠેલા સ્થાનિક નિવાસી દેખાય છે.

મુન્નાર પહોંચ્યા ત્યારે રાત પડી ચૂકી હતી. અમારો નિવાસ હતો કલબ મહિન્દ્રના રિસોર્ટમાં.

પહાડની ટોચ પર ઈન્ડો-બ્રિટિશશૈલીમાં બાંધવામાં આવેલો કલબ મહિન્દ્રા રીસોર્ટ, અહીંયાથી આસપાસની મનોહારી દશ્યાવલિ નજરે પડે છે.

સાડા ચાર કલાકની કારસફરથી શરીર તૂટતું હતું. લુસ લુસ જમીને રૂમ પર પહોંચ્યા. રૂમની બારી ખોલી તો ચોપાસ અંધકાર છવાઇ ગયેલો એટલે આસપાસનો નજાર કેવો હશે એ વિચારીને આખી રાત સસ્પેન્સમાં જ વિતાવી.

રિસોર્ટ રૂમની બારીમાંથી વહેલી સવારનો નજારો

મળસ્કે પાંચેક વાગ્યે આંખ ખોલી. વહેલી સવારે ટ્રેઈલ પર એટલે કે અલગારી રખડપટ્ટી તથા પર્વતના ઢોળાવ ચડી ઉપરથી સૂર્યોદય નિહાળવા જવાનું હતુ. ઊઠીને તરત હું પહોંચ્યો બાલ્કનીમાં તો… આ શું ? જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી રૂના ઢગલા જેવાં વાદળ જ વાદળ, જમીન ક્યાં ગઈ ? અને મુન્નાર જેને માટે પ્રખ્યાત છે એ દિલને બાગ બનાવી દેતા લીલા ચાના બગીચા ક્યાં ?

એવું લાગતું હતું જાણે રાતોરાત અમારો રિસોર્ટ જમીનથી અધ્ધર ઊંચકાઈને આકાશમાં પહોંચી ગયો હતો. કંઈ સમજાય એ પહેલાં તો ડ્રાઈવરનું કહેણ આવતાં જેકેટ ચડાવી હું કારમાં ગોઠવાયો. થોડી વારમાં અમે પર્વતની ટોચ પર હતા. હાશ… કહીને અમે સૂર્યદેવતાના આગમનની પ્રતિક્ષામાં નીચે બેઠા. ધોળાંધબ્બ વાદળાં સુવર્ણ રંગમાં પરિવર્તિત થયાં. એ પછી સૂર્યનાં કિરણ આકાશ અને ધરતી પર રેલાયાં અને અહાહાહા… અચાનક દ્રશ્ય બદલાઈ ગયુઃ આખી ખીણ અતિશય સુંદર ઓરેન્જ કલરની થઈ ગઈ. થોડીક વારમાં વાદળાં અદ્રશ્ય થઈ ગયાં અને વાતાવરણ પર લીલાં રંગે કબજો જમાવી દીધો.

આ દેવલોક સમી જગ્યાનું નામ છે સીતા દેવી લેક અર્થાત્ પર્વતોના ઢોળાવ વચ્ચે આવેલું સીતા દેવી સરોવર. દંતકથા એવી છે કે સીતામૈયાંએ આ સરોવરમાં સ્નાન કરેલું. સરોવર મુન્નારથી પાંચેક કિલોમીટર દૂર છે. ભવિષ્યમાં તમે આ તરફ આવો તો અહીં મોર્નિંગ વૉક લેવા અવશ્ય જવાની હું ભલામણ કરું છું.

સીતામૈયાએ જ્યાં સ્નાન કરેલું એ દેવીકુલમ્ લેક

આ વિસ્તારમાં સૌથી ઊંચાઈ પર આવેલું સીતા દેવી લેક. જો કે દેવીકુલમ્ લેક તરીકે પણ ઓળખાય છે. નજારો એટલો ખૂબસૂરત હતો કે થોડીક ક્ષણ માટે અમે બધું ભૂલી ગયા. વાતાવરણમાં જાતજાતનાં પાણીનાં મધુર ગીત સિવાય નીરવ શાંતિ હતી. સરોવરનાં જળ એટલાં નિર્મળ હતાં કે કિનારા પરનાં વૃક્ષ, પર્વતનાં પ્રતિબિંબ એમાં સ્પષ્ટ ઝિલાતાં હતાં. ઘણો સમય અમે તળાવના કિનારે બેસીને મલબાર વ્હિસલિંગ થ્રશ માણતા રહ્યા. આ પક્ષીઓ સીટી મારી મારીને પ્રેમી કે પ્રેમિકાને બોલાવતાં હતાં.

મુન્નારની પહેલી પરોઢે અમે આ અનુભવ્યું એ એવું સ્વર્ગીય હતું કે એ પછીનું બધું તો બોનસ હતું. ચોમેર ઈશ્વરે પાથરેલા લીલાછમ્મ ગાલીચા અર્થાત્ ચાના બગીચા, ઢોળાવ પર ભડક કલરની ભીંતવાળાં ઝૂંપડાં જેવા ઘર, ઠેર ઠેર ફૂટી નીકળેલાં નાનાં-મોટાં ઝરણાં, હવામાં લહેરાતાં વૃક્ષો અને ખુશનુમા હવામાન… ન અકળાવનારી ગરમી, ન ઠૂંઠવી દેતી ઠંડી.

રિસોર્ટ પર પાછા ફરી નાસ્તો ઝાપટી અમે ફરી નીકળી પડ્યા. રિસોર્ટની નજીકમાં જ કલબ મહિન્દ્રની પોતાની ઑર્ગેનિક ખેતી છે, જ્યાં લીલાં શાકભાજી, વગેરે ઉગાડવામાં આવે છે. બાળકોને ખેતીવિષયક જ્ઞાન આપવા માટે આ સરસ જગ્યા છે.

અચાનક રિસોર્ટમાં મૅનેજરે અમને એક છોડ બતાવતાં કહ્યુઃ

‘આ છોડ નીલકુરંજી નામના ફૂલનો છે, જે બાર વર્ષે એક વાર ઊગે છે. જાંબુડિયા-ભૂરા રંગનાં ફૂલ ઊગે પણ એકસાથે ને મૂરઝાય પણ એકસાથે. જો કે જમીનમાં એનાં બીજ સચવાઈ રહે ફરી પાછાં બાર વર્ષે ઊગવા માટે…’ રિસોર્ટના મૅનેજરે માહિતી આપી કે 2006માં ખીલ્યાં હતાં એટલે આવતા વરસે એટલે કે 2018માં ફરી નીલકુરંજી ફૂલ જોવા મળશે.

મેં એમને કહ્યુઃ ‘2018 માટે મારો રૂમ અત્યારથી જ બુક કરી દ્યો…’ અને સૌ ખડખડાટ હસી પડ્યા.

મુન્નાર એક નાનકડું, પણ જરાય સુસ્ત નહીં એવું ટાઉન છે. અહીંથી થેક્કડી તથા આસપાસ જવા બસ મળે છે. પેટ્રોલ પંપ છે. એટીએમ છે. બૅન્ક છે. એકાદ ચર્ચ તથા જાતજાતની ચીજો વેચતી દુકાનો પણ છે, જેમાં કૉફી, ચા, તેજાના, સૅન્ડલ સોપ, સૂકા મેવા, વગેરે મળે છે. બીજું બધું તો ઠીક, પણ ચા-કૉફી અહીંથી અવશ્ય લેવાં જોઈએ, કેમ કે અમુક વરાઈટી અહીં મળે એ બીજે ક્યાંય મળતી નથી.

ઢળતી બપોરે અમે સ્થાનિક ચાની ફૅક્ટરી જોવા ગયા. વિવિધ ચાનાં ટેસ્ટિંગ કર્યાં અને પીએચ.ડી. કરી શકાય એટલી બધી માહિતી આ નિર્દોષ પીણા વિશે મેળવી, જેમ કે…

ચાના છોડને એક વાર વાવો પછી જમાના સુધી એને ફરી વાવવા ન પડે. સફેદ-લીલી અને કાળી એમ ત્રણ પ્રકારની ચા હોય છે. કાળી ચામાંય પાછા છએક પ્રકાર. જેનો દાણો જેટલો મોટો એટલો સ્વાદ-સોડમમાં બેસ્ટ અને ચા હંમેશા ઉકાળીને ખાંડ-દૂધ નાખ્યા વગર પીવાની, કેમ કે ચા એક હેલ્થ ડ્રિન્ક છે. એમાં દૂધ-ખાંડ નાખો તો એના એન્ઝાઈમ્સ નાશ પામે. એના હેલ્થ બેનિફિટ ન મળે. જો ચા મીઠી બનાવવી જ હોય તો બે-ત્રણ ટીપાં મધનાં નાંખવાં. પણ ખાંડ-દૂધ તો નહીં જ. અમે જે ફૅક્ટરી જોવા ગયા ત્યાં એક ઍન્ટી-એજિંગ ચા બને છે અર્થાત્ નિયમિત પીવો તો ઢળતી ઉંમરની ચાડી ચહેરો ખાય નહીં. કિંમત ? એક કિલોના ફક્ત બાર હજાર રૂપિયા!

  • અને યુરોપભરમાં પ્રખ્યાત એવી ઇંગ્લીશ બ્રેકફાસ્ટ નામની ચા મુન્નારની આ ફૅક્ટરીમાં બને છે.

    તુલસી ઈસ સંસાર મેં ભાત ભાત કી ચા

એ પછી માણ્યું મટ્ટુપટ્ટી ડેમ નામનું એક રળિયામણું સ્થળ. આમ તો જો કે આ એક ડેમ છે, પણ એક સરસ મજાનો પિકનિક સ્પૉટ છે. અહીં નૌકાવિહારનો આનંદ માણી શકાય છે. આ જ નદીકિનારાના લીલાછમ મેદાનમાં શાહરુખ ખાન-દીપિકા પાદુકોણવાળી ચેન્નઇ એક્સપ્રેસનું શૂટિંગ થયેલું એવું અમારા ગાઈડે અમને કહ્યું. નદીકિનારે અનાનસની અને કાચી કેરીની ચીરી એક પાંદડામાં ભરીને વેચાતી હતી એ તથા રિસોર્ટથી બાંધી આપેલું ભોજન આરોગ્યું.

મોડી સાંજે ફરી રિસોર્ટ પર ઇન્ડો-બ્રિટિશ શૈલીથી 1998માં બાંધવામાં આવેલો મુન્નારનો કલબ મહિન્દ્ર રિસોર્ટ એટલા માટે મહત્વનો છે કે અહીંથી જ એમનો પ્રવાસ શરૂ થયો અર્થાત્ એમનો આ પહેલવહેલો રિસોર્ટ. પહાડ પર ઊભેલા આ રિસોર્ટની ખાસિયત એ કે તમે એના કૅફેટેરિયામાં બેઠા હો કે લાઉન્જમાં, તમારા રૂમમાં હો કે પછી પાર્કિંગ એરિયામાં કે પછી આયુર્વેદિક સ્પામાં, બધેથી તમને મુન્નારનો હરિયાળો નજારો જોવા મળશે.

મુન્નારમાં ચોથા દિવસની સવારે રિસોર્ટના કુશળ રસોઈયાના હાથે બનેલાં ઈડલી-વડાં-ઢોસા-અપ્પમ્-સ્ટ્રોન્ગ કૉફી માણી અમે કોચીની દિશામાં નીકળી પડ્યા.

પ્રવાસ ગાઈડ

ક્યારે જવુઃ મુન્નાર આમ તો ગમે ત્યારે જઈ શકાય, પણ જૂનથી સપ્ટેમ્બર, વર્ષાઋતુમાં જવાની એક અલગ મજા છે.

નજીકનું સ્ટેશનઃ એર્નાકુલમ્ ત્યાંથી ચારેક કલાકનું ડ્રાઈવ.

નજીકનું ઍરપોર્ટઃ કોચી. ત્યાંથી આશરે સાડા ચાર કલાકનું ડ્રાઈવ. મુંબઈ-કોચીનું આશરે એક કલાક દસ મિનિટનું ઉડ્ડયન. મોર્નિંગ ફલાઈટ લો તો બપોર સુધી મુન્નાર પહોંચી જવાય.

શું જોશોઃ અનામુડી ટ્રૅકિંગ સ્પૉટ તથા નજીકમાં આવેલું ટી-મ્યુઝિયમ, ચિન્નાર વાઈલ્ડલાઈફ સેન્કચુરી, દેવીકુલમ્ અથવા સીતા દેવી લેક, મારાયૂરની ગુફા તથા બચ્ચાં માટે પાર્ક, વગેરે.

નિવાસઃ મુન્નારમાં દરેક ખીસાંને પરવડે એવી ઢગલાબંધ હોટેલ્સ, રિસોર્ટ, પ્રાઈવેટ કોટેજિસ છે. આગોતરા બુકિંગ કરાવવું સારું. વધુ માહિતી માટે ક્લિકઃ www.keralatourism.org

અહેવાલ- તસવીરોઃ કેતન મિસ્ત્રી

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]