પાકિસ્તાની ફાયરિંગનો ઉપાય: કશ્મીરના ગામોમાં તૈયાર કરાશે 14 હજાર બંકર

શ્રીનગર- દેશના સરહદી વિસ્તાર જમ્મુ કશ્મીરના અનેક વિસ્તારોમાં અવારનવાર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરીને ફાયરિંગ કરનારા પાકિસ્તાનને સબક શિખવાડવા કેન્દ્ર સરકારે નક્કર પગલું ભર્યું છે. આ નિર્ણય અંતર્ગત ભારત સરકાર સેનાના જવાનો માટે કશ્મીરના ગામોમાં 14 હજાર જેટલા બંકર તૈયાર કરાવશે.સરકાર આ બંકરોનું નિર્માણ જમ્મુ-કશ્મીરના અલગ-અલગ સરહદી વિસ્તારોમાં કરાવશે. જે જિલ્લાઓમાં આ બંકરોનું નિર્માણ કરવામાં આવશે તેમાં સાંબા, પુંછ, જમ્મુ, કઠુઆ અને રાજૌરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત બધા જિલ્લાઓ પાકિસ્તાન તરફથી કરવામાં આવતા ફાયરિંગમાં સૌથી વધુ પ્રભાવિત થાય છે. અહીં રહેતા લોકોના જાન-માલનું વધારે નુકસાન થાય છે.

ક્યાં કેટલા બંકરોનું નિર્માણ?

પ્રાપ્ત માહિતી મુજબ કુલ 13029 નિજી બંકર અને 1431 સામુદાયિક બંકરોનું નિર્માણ કરાવવામાં આવશે. નિજી બંકરોનું કદ 160 વર્ગફૂટ હશે. જેમાં આઠ લોકો રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે સામુદાયિક બંકરનું કદ 800 વર્ગફૂટ હશે, જેમાં 40 લોકો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

સાંબા સેક્ટરમાં 2515 નિજી બંકર અને 8 સામુદાયિક બંકરનું નિર્માણ કરવામાં આવશે. આજ રીતે જમ્મુમાં 1200 નિજી અને 120 સામુદાયિક બંકરો બનાવવામાં આવશે. આ સિવાય રાજૌરીમાં આશરે 4918 નિજી બંકર અને 372 સામુદાયિક બંકર બનાવવામાં આવશે. કઠુઆમાં 3076 સામુદાયિક બંકર બનાવવામાં આવશે. જ્યારે પુંછ સેક્ટરમાં 688 સામુદાયિક બંકર અને 1320 નિજી બંકર એમ કુલ આશરે 14 હજાર જેટલા બંકરોનું નિર્માણ કરાવવામાં આવશે.

NBCC કરશે બંકરોનું નિર્માણ

આ બંકરોના નિર્માણનું કાર્ય રાજ્ય સરકાર દ્વારા સંચાલિત નેશનલ બિલ્ડીંગ કંસ્ટ્રક્શન કોર્પોરેશનને (NBCC) સોંપવામાં આવ્યું છે. આ કામ માટે NBCCને આશરે 416 કરોડ રુપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. NBCCના મેનેજિંગ ડિરેક્ટર એ.કે. મિત્તલે જણાવ્યું કે, બંકરોનું નિર્માણ એ પડકારવાળું કામ છે, અને બેથી ત્રણ દિવસમાં એક બંકરનું નિર્માણ કરવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, NBCC હાલમાં દિલ્હીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નિર્માણ ઉપરાંત અસમ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં રસ્તાના નિર્માણનું કાર્ય કરી રહી છે.